મુંબઈમાં આગના બે બનાવ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં મંગળવારે જુદા જુદા વિસ્તારમાં આગની બે દુર્ઘટના બની હતી, જેમાં સદ્નસીબે કોઈ જખમી થયું નહોતું. પહેલી આગની દુર્ઘટના કમાઠીપુરામાં બની હતી, તો બીજો બનાવ બાંદ્રા (પૂર્વ)માં બન્યો હતો.
મંગળવારે સવારના કમાઠીપુરા ત્રીજી લેનમાં રહેમત મસ્જિદનની પાસે બિલ્ડિંગ નબંર ૩૬ અને ૩૮માં સવારના ૧૧.૫૫ વાગ્યાની આસપાસ આગ ફાટી નીકળી હતી. ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ ગ્રાઉન્ડ પ્લસ બે માળની બિલ્ડિંગના બીજા માળા પર બે રૂમમાં સવારના આગ લાગી હતી. આગમાં ઘરમાં રહેલું તમામ ઘરવખરીનું સામાન, ઈલેક્ટ્રિક વાયરિંગ સહિત માલ-સામાન બળીને ખાક થઈ ગયું હતું. ૧૫થી ૨૦ મિનિટમાં આગ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું. પરંતુ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે.
બાંદ્રા (પૂર્વ)માં સિદ્ધાર્થ નગર સ્મશાનભૂમિ નજીક ટીચર્સ કોલોનીની પાછળ એક મેદાનમાં પડી રહેલી ભંગારની ગાડીઓમાં લાગી હતી. સાંજના ૬.૩૦ વાગ્યાની આસપાસ ૧,૦૦૦ સ્કવેર ફૂટની જગ્યામાં ભંગાર ગાડીઓ રાખવામાં આવી છે, તે વિસ્તારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ફાયરબિગ્રેડ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. જોકે એ અગાઉ જ ૧૦૦થી ૧૫૦ જેટલી ભંગાર ગાડીઓમાં આગમાં ખાખ થઈ ગઈ હતી. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું.