વિવિધ યુક્તિઓ અજમાવી દાગીના તફડાવનારા બે રીઢા આરોપી ઝડપાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: વિવિધ યુક્તિઓ અજમાવી રસ્તા પરથી પસાર થનારા લોકોને છેતરીને સોનાના દાગીના તફડાવનારા બે રીઢા આરોપીને થાણે ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યા હતા.
ઉલ્હાસનગર ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરેલા બન્ને આરોપીની ઓળખ અનિલ કૃષ્ણ શેટ્ટી (43) અને રમેશ વિજયકુમાર જયસ્વાલ (47) તરીકે થઈ હતી. મળેલી માહિતીને આધારે બન્નેને ઉલ્હાસનગરમાં છટકું ગોઠવી તાબામાં લેવાયા હતા, એવું ડેપ્યુટી પોલીસ કમિશનર શિવરાજ પાટીલે જણાવ્યું હતું.
આ પણ વાંચો: પુણેના એન્જિનિયર સાથે છેતરપિંડી બદલ બાન્દ્રાના લક્ઝુરિયસ કાર ડીલર વિરુદ્ધ ગુનો
અંબરનાથના બાલગાંવમાં રહેતા બન્ને આરોપીની અગાઉ પણ પોલીસે લૂંટના કેસમાં ધરપકડ કરી હતી. ત્રણ મહિના પહેલાં જ બન્ને જેલમાંથી બહાર આવ્યા હતા. આરોપીઓ પાસેથી અંદાજે 17 લાખ રૂપિયાના સોનાના દાગીના જપ્ત કરવામાં આવ્યા હતા.
આરોપીઓ રસ્તા પરથી પસાર થનારા લોકોને રોકીને એક શેઠ ચોખા વહેંચી રહ્યા હોવાનું કહેતા હતા. ક્યારેક આગળ હત્યાની ઘટના બની હોવાનું કહીને ડરાવતા હતા. પહેરેલા સોનાના દાગીના કાઢીને થેલી અથવા પર્સમાં સુરક્ષિત મૂકવાનું કહીને આરોપી હાથચાલાકીથી એ દાગીના તફડાવી ફરાર થઈ જતા હતા.
પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં અંબરનાથ, વિઠ્ઠલવાડી, શિવાજીનગર, ઉલ્હાસનગર, ડોમ્બિવલી અને નૌપાડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 11 ગુના ઉકેલાયા હોવાનો દાવો પોલીસે કર્યો હતો. એ સિવાય મુંબઈના દહિસર, કાંદિવલી અને દિંડોશીમાં નોંધાયેલા પાંચ ગુનામાં પણ આરોપીની સંડોવણી હોવાનું સામે આવ્યું હતું.