બેે શિક્ષણ અધિકારી સસ્પેન્ડ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યના શિક્ષણ પ્રધાન દીપક કેસરકરે શુક્રવારે થાણે જિલ્લાના શિક્ષણ અધિકારીઓ બાળાસાહેબ રક્ષે અને મુંબઈના શિક્ષણ અધિકારી રાજેશ કંકલને સસ્પેન્ડ કર્યા હતા. તાજેતરમાં બદલાપુરમાં બાળકી પર થયેલા જાતીય શોષણના કેસ વિશે જાણ કરવામાં નિષ્ફળ રહેવાનો આરોપ રક્ષે પર મૂકવામાં આવ્યો છે, તો મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત શાળાઓમાં સીસીટીવી કેમેરા બેસાડવામાં વિલંબ થવા માટે રાજેશ કંકલને જવાબદાર ગણવામાં આવ્યા છે.
બદલાપુરમાં બનેલી ઘટનામાં એક સફાઈ કર્મચારીએ બે ચાર વર્ષની બાળકીઓ પર કથિત રીતે જાતીય શોષણ કર્યું હોવાની ઘટનાથી નાગરિકોમાં ભારે રોષ ફેલાયેલો છે ત્યારે મોડે મોડે જાગેલા રાજ્યના શિક્ષણ પ્રધાન દીપક કેસરકરે આ બાબતે શુક્રવારે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે જો થાણે જિલ્લાના શિક્ષણ અધિકારીએ બદલાપુર ઘટના વિશે સમયસર જાણ કરી હોય તો વિરોધ પ્રદર્શનને કારણે નાગરિકોને થયેલી અસુવિધાને અટકાવી શકાઈ હોત. જોકે આ માહિતી છુપાવવા બદલ શિક્ષણ અધિકારી જવાબદાર છે.
દીપક કેસરકરે વધુમાં જણાવ્યું હતું કે બે વર્ષ પહેલા મુંબઈની તમામ પાલિકા સંચાલિત શાળાઓમાં સીસીટીવી કેેમેરા બેસાડવાની સૂચના આપવામાં આવી હતી. શિક્ષણ વિભાગ પાસે પ્રોજેક્ટ માટે ભંડોળનો અભાવ હતો તો તેમણે સરકારને આ બાબતે વિનંતી કરવી જોઈતી હતી. ડિસ્ટ્રિક્ટ પ્લાનિંગ ડેવલપમેન્ટ ઓથોરિટી (ડીપીડીસી) હેઠળના ભંડોળને તાત્કાલિક મંજૂરી આપવામાં આવી હોત. જોકે મુંબઈના શિક્ષણ અધિકારી રાજેશ કંકલે સીસીટીવી કેેમેરા બેસાડવામાં કેમ વિલંબ થયો તેનો ખુલાસો આપવો પડશે.