પોલીસો જ ભરબપોરે, ટલ્લી થઈ ધિંગાણે ચડ્યા
જળગાંવમાં બિયરબારમાં ગ્લાસ તોડ્યા પછી ત્રણેય વચ્ચે થઈ મારામારી: બે બાઈક અને છોકરાને વાહનની અડફેટે લીધો

મુંબઈ: નાગપુરમાં પોલીસ ચોકીમાં જુગાર રમનારા પોલીસનો વીડિયો વાયરલ થયાને હજુ પખવાડિયું વીત્યું નથી ત્યાં જળગાંવમાં દારૂ ઢીંચીને ધિંગાણું મચાવનારા બે પોલીસનો વીડિયો વાયરલ થયો છે. બિયરબારમાં દારૂના નશામાં ગ્લાસ ફોડ્યા પછી રસ્તા પર બન્ને પોલીસ મારામારી પર ઊતરી આવ્યા હતા. પછી નશામાં પોલીસ વાહન ચલાવી બે બાઈક અને એક છોકરાને અડફેટે લીધો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
પોલીસની છબિ ખરડનારી આ ઘટના 25 ઑગસ્ટે જળગાંવના ભાસ્કર માર્કેટ પરિસરમાં બની હતી. જળગાંવ પોલીસમાં કાર્યરત ત્રણ પોલીસ કર્મચારીની ડ્યૂટી બંદોબસ્તમાં હતી. વરદી પહેરેલા ત્રણેય જણ માર્કેટ પરિસરમાં આવેલા બિયરબારમાં દારૂ પીવા બેઠા હતા.
કહેવાય છે કે દારૂ પીને નશામાં ચૂર બે જણે બારમાં જ હંગામો શરૂ કર્યો હતો. બે ગ્લાસ ફોડ્યા પછી બિયરબાર બહાર નીકળીને બન્ને જણો આપસમાં વિવાદ થયો હતો. થોડી વાર સુધી બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને પછી બન્ને મારામારી પર ઊતરી આવ્યા હતા. તેમના સાથીએ મધ્યસ્થી કરી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બન્નેએ તેને અવગણ્યો હતો. બેમાંથી એક પોલીસકર્મી તો કાદવમાં પડ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કૅમેરામાં કેદ થઈ હતી. બાદમાં એ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
કહેવાય છે કે નશામાં પોલીસ વાહન ચલાવીને એક જણે નજીકમાં પાર્ક કરેલી બે બાઈક અડફેટે લીધી હતી. થોડે જ અંતરે સાઈક ચલાવતા છોકરાને પણ પોલીસ વાહને ટક્કર મારી હતી. સદ્નસીબે છોકરાનો જીવ બચી ગયો હતો. તેને નજીવી ઇજા થઈ હતી.
Also Read –