ગોખલે બ્રિજ માટે વીસ દિવસનો મહાબ્લોક
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગયા મહિના દરમિયાન પશ્ચિમ રેલવેમાં સાંતાક્રૂઝથી ગોરેગાંવની વચ્ચે છઠ્ઠી લાઈનના નિર્માણ કાર્ય માટે ૨,૫૦૦ જેટલી લોકલ રદ કરવામાં આવ્યા પછી હવે ગોખલે બ્રિજ પર ગર્ડર લોન્ચ કરવા માટે ૨૭મી નવેમ્બરથી ૨૦ દિવસ દરમિયાન નાઈટ બ્લોક લેવામાં આવશે.
મુંબઈ હદમાં બીજા નંબરના સૌથી મોટા રેલવે ગર્ડરને લોન્ચ કરવા માટે મહત્ત્વની કામગીરી હાથ ધરવામાં આવશે. ૨૭મી નવેમ્બરથી ૨૦ દિવસનો મહાબ્લોક લેવામાં આવશે, તેનાથી હંગામી ધોરણે લોકલ ટ્રેનની સર્વિસીસને રદ કરવામાં આવશે.
અંધેરી સ્થિત વેસ્ટર્ન એક્સપ્રેસ અને એસવી રોડને જોડતા નવા બ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, જેના માટે ગર્ડર લોન્ચ કરવા માટે આ બ્લોક લેવામાં આવશે. ઓક્ટોબરમાં ઉત્તર દિશાના ગર્ડરને સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યા પછી હવે દક્ષિણ દિશામાં લોન્ચ કરવામાં આવશે. આ ગર્ડર ૯૦ મીટર લંબાઈ ધરાવતો હશે, જે મુંબઈ શહેરનો બીજા નંબરનું ગર્ડર છે. રોજના રાતના સરેરાશ ત્રણથી ચાર કલાકનો બ્લોક લેવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
તમારી જાણ ખાતર જણાવી દઈએ ગોખલે બ્રિજનું નિર્માણ કાર્ય ૧૯૭૫માં કરવામાં આવ્યું હતું. આ પુલની લંબાઈ ૮૦ મીટર અને ૨૫ મીટર પહોળાઈ હતી. ત્રીજી જુલાઈ ૨૦૧૮ના પેવર બ્લોકનો હિસ્સો તૂટી પડ્યો હતો, ત્યારબાદ પહેલી નવેમ્બર ૨૦૨૨ના મુંબઈ પાલિકાએ ટ્રાફિક પોલીસને પુલ પરથી વાહનવ્યવહારને બંધ કરવાનો અનુરોધ કર્યો હતો. મુંબઈ પાલિકા અને રેલવેની સંયુક્ત કામગીરી હેઠળ ફેબ્રુઆરી, ૨૦૨૪ સુધીમાં બ્રિજ તૈયાર કરવામાં આવશે.