ટ્રકચાલકોની ચીમકી બીજી ઑક્ટોબર સુધી ચેક પોસ્ટ બંધ નહીં થાય તો હડતાળ
મુંબઇ: મુંબઇમાં શરૂ થયેલા ચેક પોસ્ટને બંધ કરવા માટે કેન્દ્ર સરકારને પત્ર લખ્યો હતો. જો કે જીએસટી લાગુ થયા બાદ કેન્દ્ર સરકાર દ્વારા આ જૂની ચેક પોસ્ટ વ્યવસ્થાને બંધ કરવાનો નિર્દેશ કરવામાં આવ્યો હતો. પરંતુ તેમ છતાં હજુ પણ કેટલાક રાજ્યોમાં ચેક પોસ્ટ ચાલુ છે. ત્યારે વાહન યુનિયનોનું કહેવું છે કે ચેક પોસ્ટના કારણે પૈસા અને સમય બંનેની બરબાદી થાય છે. અને ભ્રષ્ટાચાર પણ થાય છે. ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કૉંગ્રેસે જણાવ્યું હતું કે જો બીજી ઑક્ટોબર સુધી કોઇ નિર્ણય લેવામાં નહી આવે તો આંદોલન કરવાની ધમકી આપી હતી.
નોંધનીય છે કે કેન્દ્ર સરકારે 2017માં જીએસટી લાગુ કર્યા બાદ 2019માં તમામ રાજ્યમાં ચેક પોસ્ટ બંધ કરવાનો આદેશ કર્યો હતો. કેન્દ્ર સરકારના આદેશનો કેટલાક રાજ્યો એ અમલ કર્યો હતો પરંતુ હજુ પણ 17 રાજ્યોએ ચેક પોસ્ટ બંધ કરવાના આદેશનો અમલ કર્યો નથી. તેમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને કર્ણાટકમાં આજે પણ ચેક પોસ્ટ ચાલુ છે. આ ઉપરાંત મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, બિહાર, નાગાલેન્ડ, અસમ, મણિપુર, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર, કેરલ, આંધ્ર પ્રદેશ, તેલંગણા, તામિલનાડુ અને પાંડીચેરીમાં આજે પણ ચેક પોસ્ટ કાર્યરત છે.
ડિઝીટલાઇઝેશન બાદ પણ આજે મહારાષ્ટ્રમાં ચેક પોસ્ટ પર લાંબી લાંબી લાઇનો જોવા મળે છે જેમાં પૈસા અને સમય બંનેનો વ્યય થાય છે. આ ઉપરાંત ભ્રષ્ટાચાર પણ થાય છે. આઇ આઇ એમ કોલકાતા અને ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશન ઓફ ઇન્ડિયાના એક સર્વેમાં જણાવવામાં આવ્યું હતું કે ટોલ નાકાઓ પર ટ્રકોને ઊભી રાખવાને કારણે વર્ષનું અંદાજે 1.47 લાખ કરોડનું નુકસાન થાય છે.
મહારાષ્ટ્રમાં કેમ ચેક પોસ્ટ બંધ નથી થયા?
કેન્દ્ર સરકારે ઘણીવાર આદેશ આપ્યા બાદ પણ મહારાષ્ટ્રમાં ચેક પોસ્ટ બંધ ના થવાનું કારણ શું છે. જ્યારે ગુજરાત અને રાજસ્થાનમાં 2021માં જ તમામ ટોલ નાકા બંધ કરી દેવામાં આવ્યા હતા. ત્યારે મળતી માહિતી મુજબ 2019થી મહારાષ્ટ્રમાં સરકાર સ્થિર થઇ નથી આથી કોઇ એક નિર્ણય લઇ શકાયો નથી.