ટ્રકે અડફેટમાં લેતાં મૃત્યુ પામેલા યુવકના કુટુંબને 38.68 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ

થાણે: થાણેમાં મોટર એક્સિડન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી) ચાર વર્ષ અગાઉ પૂરપાટ વેગે આવેલી ટ્રકે અડફેટમાં લેતાં મૃત્યુ પામેલા 24 વર્ષના યુવકના પરિવારજનોને 38.68 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.
મંગળવારે આપેલા આદેશમાં એમએસીટીના સભ્ય આર.વી. મોહિતેએ ટ્રકના માલિક અને વીમા કંપનીને સંયુક્ત રીતે અને અલગ અલગ રીતે મૃતક અક્ષય સંજય ઘોલેનાં માતા-પિતા અને બહેનને વળતર ચૂકવવાના નિર્દેશ આપ્યા છે.
આ પણ વાંચો: અકસ્માતમાં ઘવાયેલી બે મહિલાને કુલ 11 લાખ વળતર ચૂકવવાનો આદેશ
એડવોકેટ બલદેવ રાજપૂતે ટ્રિબ્યુનલને કહ્યું હતું કે 18 ઑગસ્ટ, 2021ના રોજ મોટરસાઇકલને અડફેટમાં લીધી ત્યારે મોટરસાઇકલ પર પાછળ બેઠેલા અક્ષય ઘોલેનું ઘટનાસ્થળે મોત થયું હતું. એમએસીટીએ અવલોકન કર્યું હતું કે ટ્રક પૂરપાટ વેગે ચલાવવામાં આવી રહી હતી.
ટ્રિબ્યુનલે વીમા કંપનીની પોલિસીની શરતોના ભંગની અરજી ફગાવી દીધી હતી અને નોંધ્યું હતું કે દસ્તાવેજો સાબિત કરે છે કે અકસ્માતને દિવસે ટ્રક ડ્રાઇવર પાસે યોગ્ય લાઇસન્સ, પરમિટ અને ફિટનેસ સર્ટિફિકેટ હતું. ટ્રિબ્યુનલે એરલાઇનમાં હેન્ડીકેમ કમ રેમ્પ ડ્રાઇવર તરીકેની કામચલાઉ સેવામાંથી અક્ષય ઘોલેને મળેલા વાર્ષિક 2.2 લાખ રૂપિયાના આધારે કુલ 36.68 લાખ રૂપિયાના વળતરની ગણતરી કરી હતી.
(પીટીઆઇ)