આમચી મુંબઈસ્પોર્ટસ

મૂળ ગુજરાતનો આ ટૅલન્ટેડ ક્રિકેટર પણ વિમાન અકસ્માતમાં મૃત્યુ પામ્યો

23 વર્ષનો આ યુવાન ભણવામાં તેમ જ રમવામાં, બન્નેમાં ખૂબ હોશિયાર હતો

મુંબઈઃ અમદાવાદ (AHMEDABAD)માં 270થી વધુ લોકોનો ભોગ લેનાર એર ઇન્ડિયાના પ્લેન-ક્રેશ (PLANE CRASH)ની હૃદયદ્રાવક અને રહસ્યમય કરુણાંતિકાને લગતી નવી-નવી વાતો બહાર આવી રહી છે અને મૃત્યુ પામેલા લોકો વિશેની આ તમામ વાતો જાણીને ભલભલાને કંપારી છૂટે એવી હોય છે અને એમાં એક બાબત એવી બહાર આવી છે કે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓમાં 23 વર્ષના ટૅલન્ટેડ ક્રિકેટર દીર્ઘ પટેલ (DIRGH PATEL)નો પણ સમાવેશ હતો.

મૂળ ગુજરાત રાજ્યનો દીર્ઘ પટેલ લંડન જઈ રહેલા 242 ઉતારુઓમાંથી એક હતો. ઇંગ્લૅન્ડની એક જાણીતી બ્રૉડકાસ્ટિંગ કંપની તેમ જ ઍરડેલ ઍન્ડ વ્હાર્ફેડેલ સિનિયર ક્રિકેટ લીગના જણાવ્યા અનુસાર દીર્ઘ પટેલ 2024ના વર્ષની મધ્યમાં લીડ્સ મૉડર્નિયન્સ (LEEDS MODERNIANS) ક્રિકેટ ક્લબનો ખેલાડી હતો અને તેણે 20 ઇનિંગ્સમાં 312 રન કર્યા હતા તેમ જ 29 વિકેટ લીધી હતી.

આપણ વાંચો: પ્લેન ક્રેશ: પાયલટ સુમિત સભરવાલનો પાર્થિવ દેહ મુંબઈ લવાયો, અંતિમસંસ્કાર કરાશે

તેના મૃત્યુના સમાચાર જાણીને ક્લબના હોદ્દેદારો તેમ જ મેમ્બર્સ અને ખેલાડીઓને ખૂબ આઘાત લાગ્યો છે અને તેમણે દીર્ઘના પરિવારજનો પ્રત્યે શોકની લાગણી વ્યક્ત કરવાની સાથે ઈશ્વર તેમને આ સંકટના સમયનો સામનો કરવાની હિંમત આપે એવી પ્રાર્થના કરી છે.

દીર્ઘ પટેલ નવી નોકરીમાં સ્થિર થતાં જ ફરી રમવાનું શરૂ કરવા માગતો હતો, એવું ઍરડેલના પ્રવક્તાએ કહ્યું હોવાનું એક અહેવાલમાં જણાવાયું હતું.

આપણ વાંચો: પહલગામ હુમલાથી અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાઃ સાત સમંદર પાર કરીને બીમાર માને મળવા આવેલી દીકરી પરત ફરી નહીં…

દીર્ઘ પટેલે હડર્સફીલ્ડ (HUDDERSFIELD) યુનિવર્સિટીમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. તેણે આ વિદ્યાપીઠમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઇ)માં એમએસસી પૂરું કર્યું હતું. તેણે પોતાના કોર્સમાં સર્વોચ્ચ ગે્રડ હાંસલ કર્યો હતો.

આ યુનિવર્સિટીના એક પ્રાધ્યાપકે એવું જણાવ્યું છે કે ` દીર્ઘ પટેલ અમારી યુનિવર્સિટીમાં તેની શૈક્ષણિક કાબેલિયત તેમ જ ક્રિકેટની ટૅલન્ટ માટે જાણીતો હતો અને સૌમાં લોકપ્રિય હતો. ભણવાની બાબતમાં તે હંમેશાં ઉત્સુકતા બતાવતો હતો. તે સ્ટડીઝ દરમ્યાન મને જે પ્રશ્ન કરતો એના પરથી મને તેના કૌશલ્યનો ખ્યાલ આવી ગયો હતો.’

દીર્ઘ પટેલનો ભાઈ કૃતિક અગાઉ પૂલ ક્રિકેટ ક્લબ વતી રમતો હતો. આ બન્ને ક્લબે અમદાવાદની કરુણાંતિકા બાદ પોતાની પ્રથમ મૅચ પૂર્વે એક મિનિટનું મૌન પાળ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button