થાણે-કલવા વચ્ચે ચાલતી ટ્રેનમાં યુવક સાથે બન્યો આ બનાવ, પોલીસ આવી હરકતમાં
મુંબઈઃ મધ્ય રેલવેમાં થાણે અને કલવા રેલવે સ્ટેશનની વચ્ચે લોકલ ટ્રેનના કોચમાં એક યુવક ઉપર ધારદાર બ્લેડ વડે હુમલો કરવાની ઘટના બની હતી. આ મામલે સોમવારે રેલવે પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરવામાં આવ્યો છે.
આ બનાવ અંગે રેલવે પોલીસે કહ્યું હતું કે આ ઘટના શનિવારે રાત્રે બની હતી. 18 વર્ષનો યુવક લોકલ (કલ્યાણ સ્લો) ટ્રેનના વિકલાંગ ડબ્બામાં મુસાફરી કરી રહ્યો હતો ત્યારે એક અજાણી વ્યક્તિ સાથે તેનો કોઈ કારણોસર ઝઘડો થયો હતો ત્યાર બાદ થાણે અને કલવા સ્ટેશનની વચ્ચે લોકલ ઊભી રહી ત્યારે એ વ્યક્તિએ યુવક પર બ્લેડ વડે હુમલો કર્યો.
મુમ્બ્રા રેલવે સ્ટેશને ઊતર્યા બાદ પોલીસે યુવકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સોમવારે યુવકે થાણે રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં તપાસ ચાલી રહી છે, એમ પોલીસે જણાવ્યું હતું.
કોરોના પછી પણ મુંબઈ રેલવેમાં પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો હોવા છતાં પ્રવાસીઓ વચ્ચે વિવાદ વધ્યા છે. વધતી ગીચતા અને લોકલ ટ્રેનો રદ થવાને કારણે વિવાદ વધી રહ્યા છે. આ મુદ્દે રેલવે આંખ આડા કાન કરે છે. મુંબઈ રેલવેમાં પુરુષ પ્રવાસીઓ પર વિના કારણ વિવાદ થવાનું પ્રમાણ વધતું જાય છે, જેમાં તાજેતરમાં મધ્ય રેલવેની ચાલતી ટ્રેનમાં અઢાર વર્ષના યુવક પર હુમલો કરતા તેને ઈજા પહોંચી હતી, તેનાથી રેલવેમાં પ્રવાસીઓની સુરક્ષા મુદ્દે ગંભીર સવાલ ઊભો થયો છે, એમ પ્રવાસી સંગઠને જણાવ્યું હતું.
અહીં એ જણાવવાનું કે થોડા દિવસ પહેલા ડોમ્બિવલી સ્ટેશનની નજીક એક મહિલા પર કાતર વડે હુમલો કરીને અજાણી વ્યક્તિએ દાગીનાની ચોરી કરવામાં આવી હતી. આ સંબંધમાં તપાસ કર્યા પછી રેલવે પોલીસે આરોપીની અટક કરી હતી. ધરપકડ કરવામાં આવેલા આરોપીએ તેની ઓળખ લાલ બહાદુર બકેલાલ યાદવ (24 વર્ષ) આપી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.