લોકલ ટ્રેનોના ધાંધિયાથી પ્રવાસીઓ પરેશાન, એક પ્રવાસીએ કરી એવી ડિમાન્ડ કે…
મુંબઈ: મધ્ય રેલવેની લોકલ ટ્રેનોમાં રેગ્યુલર ધાંધિયા રહે છે, જેનાથી પ્રવાસીઓ જ નહીં, પરંતુ હવે પેસેન્જર એસોસિયેશને પણ બાંયો ચઢાવી છે. આગામી અઠવાડિયા દરમિયાન વિધિવત વિરોધ પ્રદર્શન કરવાના છે, ત્યારે તાજેતરમાં એક ગુસ્સે થયેલા પ્રવાસીએ તો રેલવેને ટ્રેનના બદલે બળદગાડું દોડાવવાની ટવિટ કરી નાખી હતી.
સોશિયલ મીડિયા એક્સ પર એક યૂઝરે લખ્યું હતું કે ડિયર રેલવે હવે મહેરબાની કરીને તમારું ટાઇમટેબલ ફાડી નાખો અને લોકલ ટ્રેનો દોડાવવાને બદલે બદળગાડા દોડાવો. રોજેરોજની હાડમારી વેઠીને પ્રવાસીઓ પરેશાન થઈ ગયા છે. આ સંબંધમાં રેલવે સ્ટેશને સ્ટેશન માસ્ટરની સાથે સોશિયલ મીડિયા પર ફરિયાદો કરવામાં આવે છે, પરંતુ આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે.
મધ્ય રેલવેમાં હંમેશાં ટ્રેનના ધાંધિયા હોય છે. પરાં વિસ્તારોની ટ્રેનો રોજ મોડી પડતી હોવાને કારણે પ્રવાસીઓ પણ કંટાળી ગયા છે. પ્રવાસીઓ દ્વારા સોશિયલ મીડિયા દ્વારા રેલવેના ઉચ્ચ અધિકારીઓને વારંવાર ફરિયાદ કરતા હોય છે અને આવી ફરિયાદો ઉપર સંબંધિત અધિકારી દ્વારા જવાબ પણ આપવામાં આવતો હોય છે. મધ્ય રેલવેના આવા કારભારને કારણે એક પ્રવાસીએ મંગળવારે ‘એક્સ’ (ટ્વિટર) પર ફરિયાદ કરી હતી.
Dear central railway, scrap ur timetable. Do one thing. Start bulluck cart service instead of locals in Mumbai. Hopeless. @AshwiniVaishnaw @RailMinIndia @Central_Railway @GM_CRly @drmmumbaicr #wakeupCR
— rajiv kale (@rajivkaleMT) August 13, 2024
આ ફરિયાદ પર રેલવે દ્વારા પ્રતિક્રિયા પણ આપવામાં આવી હતી. જરૂરી કાર્યવાહી માટે આ મુદ્દો સંબંધિત અધિકારી પાસે મોકલવામાં આવ્યો છે. સંબંધિત પ્રવાસીની ફરિયાદને સકારાત્મક રીતે લેવામાં આવી છે. તેથી હવે લોકલ સિવાય બળદગાડી પણ દોડાવવામાં આવશે કે શું? એવી ઉત્સુકતા પ્રવાસીઓમાં જાગી છે.
આ પણ વાંચો :…તો મુંબઈથી પુણે જવાનું વધુ ઝડપી બનશે, મધ્ય રેલવેના બે કોરિડોરનો પ્રસ્તાવ
મધ્ય રેલવેમાં બળદગાડીઓ દોડશે તો તેના માટે રસ્તા, બળદગાડી હાંકવા માટે માણસો, બળદોના ખાવા-પીવાની વ્યવસ્થા વગેરે કરવી પડશે. તેમના આરામ કરવા માટે તબેલા ખોલવા પડશે. આવા અનેક મુદ્દાઓ પ્રવાસીઓના મનમાં ભમી રહ્યા છે. લોકલની જગ્યા બળદગાડી લેશે તો હાલમાં દોડતી એસી લોકલની જેમ એસી બળદગાડી પણ દોડાવવાની ફરજ પડશે. તેની માટે ગાડામાં અમુક ફેરફાર પણ કરવાની ફરજ પડશે.
પ્રવાસીઓની ડિમાન્ડને કારણે પ્રવાસીઓના કાને હવે અજબગજબની એનાઉન્સ સંભાળવા મળે તો નવાઈ નહીં. લોકલ ટ્રેનના બદલે એનાઉન્સર બળદગાડાની જાહેરાત કરે તો કેવું લાગે. દા.ત. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) જનારી ૮.૩૦ની ફાસ્ટ બળદગાડી પ્લેટફોર્મ ક્રમાંક પાંચ પર આવશે અથવા ૯.૨૫ની દાદર જનારી ધીમી બળદગાડી પ્લેટફોર્મ ક્રમાંક ત્રણ પર આવશે. આવી અનાઉન્સમેન્ટ ભવિષ્યમાં સંભળાય તો નવાઇ નહીં.