રાણીબાગમાં આવતા પર્યટકોને પોતાના વાહનો માટે વધુ પૈસા ચૂકવવા પડશે
વાહનોની પાર્કિંગ ફીમાં વધારો કરવામાં આવશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભાયખલામાં આવેલા રાણીબાગમાં આવનારા પર્યટકોને હવે તેમના વાહનો પાર્ક કરવા માટે મોટી રકમ ચૂકવવી પડવાની છે. મુંંબઈ મહાનગરપાલિકાએ પાર્કિંગ ફીમાં ધરખમ વધારો કરવાનો નિર્ણય લીધો છે. તેથી હવે ટુ વ્હીલર માટે અગાઉ પાંચ રૂપિયાની પાર્કિંગ ફી વસૂલવામાં આવતી હતી તેની માટે હવે ૩૦ રૂપિયા ચૂકવવા પડશે અને ફોર વ્હીલર માટે અગાઉ ૨૦ રૂપિયાની ફી વસૂલવામાં આવતી હતી, તેની માટે હવે ૮૦ રૂપિયા ચૂકવવા પડશે.
ભાયખલામાં આવેલા વીરમાતા જિજાબાઈ ભોસલે વનસ્પતી ઉદ્યાન અને પ્રાણીસંગ્રહાલયમાં આવતા પર્યટકોના વાહનો માટે ફી વસૂલવાનો નિર્ણય વર્ષ ૨૦૦૯માં લેવામાં આવ્યો હતો. પરંતુ છેલ્લા ૧૫ વર્ષથી તેમાં કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી. રાણીબાગમાં છેલ્લા થોડા વર્ષોમાં કરવામાં આવેલા સુશોભીકરણ અને પૅંગ્વિન, વાઘની જોડી સહિત નવા નવા પશુ-પ્રાણીઓને કારણે પર્યટકોની સંખ્યામાં વધારો થયો છે. દરરોજ લગભગ ૧૫થી ૨૦ હજાર પર્યટકો રાણીબાગની મુલાકાતે આવતા હોય છે. તો રજાના દિવસે પર્યટકોની સંખ્યા ૩૫,૦૦૦ સુધી પહોંચી જતી હોય છે.
મોટાભાગના પર્યટકો પોતાના ટુ વ્હીલર, ફોર વ્હીલર લઈન આવતા હોય છે. તો સ્કૂલની પણ પીકનીક આવતી હોય છે. તેથી રાણીબાગમાં પર્યટકોને માટે પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરી આપવામાં આવી છે.
હાલ રાણીબાગના પાર્કિંગ પ્લોટની જગ્યામાં ફકત ૧૦૦થી ૨૦૦ વાહનો પાર્ક કરી શકાય છે. તેથી લાંબા સમયથી અહીં વધારાની પાર્કિંગની સગવડ ઊભી કરવાની માગણી થઈ રહી છે. હાલ અહીં ટુ વ્હીલર માટે પાંચ રૂપિયા અને ફોર વ્હીલર માટે ૨૦ રૂપિયા પાર્કિંગ માટે ચૂકવવા પડે છે. હવે તેમાં થોડો ફેરફાર કરીને પહેલા ત્રણ કલાક માટે ફી નક્કી કરીને આગળના પ્રત્યેક કલાક માટે ફીમાં વધારો કરવામાં આવશે, જેમા ટુ વ્હીલર માટે પહેલા ત્રણ કલાક ૩૦ રૂપિયા અને ત્યારબાદ વધારાના કલાક માટે ૧૦ રૂપિયા લાગશે.
ફોર વ્હીલર માટે પહેલા ત્રણ કલાક માટે ૮૦ રૂપિયા અને ત્યાર પછીના કલાક માટે ૩૦ રૂપિયા રહેશે. તો નાની બસ માટે પહેલા ત્રણ કલાક માટે ૧૨૦ રૂપિયા અને ત્યારપછી કલાક વધશે તો તે માટે ઉપરના ૪૦ રૂપિયા લાગુ પડશે. મોટી બસ માટે પહેલા ત્રણ કલાક માટે ૧૫૦ રૂપિયા અને ત્યારબાદના કલાક માટે ૫૦ રૂપિયા લાગુ પડશે.
પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ પૂરા રાણીબાગને ફરવા માટે એક કલાક કરતા વધુ સમય લાગે છે. તેથી વાહનો એક કલાક કરતા વધુ સમય માટે અહીં પાર્ક કરવામાં આવે છે. તેથી પ્રાણીસંગ્રહાલયમાં પાર્કિંગ માટે ઓછામાં ઓછા એક કલાક માટે એક ફી નક્કી કરવામાં આવી છે. પહેલા ત્રણ કલાક બાદ વધારો વસૂલ કરવામાં આવશે.
Also Read –