મુંબઈ એરપોર્ટ પર ₹ ૧.૮૮ કરોડના ગોલ્ડ ડસ્ટ સાથે પ્રવાસીની ધરપકડ
મુંબઈ: કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટ (એઆઇયુ)ના ઓફિસરોએ છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર રૂ. ૧.૮૮ કરોડના ગોલ્ડ ડસ્ટ સાથે પ્રવાસીની ધરપકડ કરી હતી. પ્રવાસીની ઓળખ અહમદ ઉસ્માન ખાન તરીકે થઇ હોઇ તે દક્ષિણ મુંબઈનો રહેવાસી છે અને ડ્રાઇવર તરીકે કામ કરે છે.
અહમદ ખાન શુક્રવારે રાતે એરપોર્ટના ટર્મિનલ-૨ પર ઊતર્યા બાદ ગ્રીન ચેનલ પાર કરી એરપોર્ટના એક્ઝિટ તરફ જઇ રહ્યો હતો ત્યારે એઆઇયુના ઓફિસરોએ શંકાને આધારે તેને આંતર્યો હતો. અહમદની તલાશી લેવામાં આવતાં તેના આંતરવસ્ત્રમાં છુપાવેલા ચાર પાઉચ મળી આવ્યા હતા, જેમાં મીણમાં ૨૪ કેરેટ ગોલ્ડ ડસ્ટ હતું. ૩,૭૨૦ ગ્રામ વજનના ગોલ્ડ ડસ્ટની કિંમત રૂ. ૧.૮૮ કરોડ આંકવામાં આવી હતી. અહમદે આ અંગે યોગ્ય ખુલાસો ન કરતાં તેની ધરપકડ કરવામાં આવી હતી.
અહમદ ગોલ્ડ ડસ્ટ મુંબઈમાં કોને આપવા માટે લાવ્યો હતો, તેની તપાસ કરવામાં આવી રહી છે. અહમદને કોર્ટમાં હાજર કરાતાં તેને જ્યુડિશિયલ કસ્ટડી ફટકારાઇ હતી.