ટોરેસ સ્કૅમ: સીઈઓ તૌસીફ રિયાઝ પુણેમાં પકડાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સપ્તાહમાં છથી 11 ટકા વળતરની લાલચે હજારો રોકાણકારોને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડનારા ટોરેસ સ્કૅમની તપાસ કરનારી આર્થિક ગુના શાખાને મોટી સફળતા હાથ લાગી હતી. ટોરેસ બ્રાન્ડ ઑપરેટ કરનારી પ્લૅટિનમ હર્ન પ્રા. લિ.ના સીઈઓ મોહમ્મદ તૌસીફ રિયાઝ ઉર્ફે જ્હૉન કાર્ટરની પુણેથી ધરપકડ કરવામાં આવી હતી. આ સ્કૅમનો ભાંડો ફૂટ્યો ત્યારે શરૂઆતમાં તૌસીફે પોતે વ્હિસલ-બ્લોઅરોમાંનો એક હોવાનો દાવો કર્યો હતો.
ટોરેસ સ્કૅમમાં ધરપકડ કરાયેલા આરોપીઓમાં રિયાઝ પાંચમો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. આ સ્કૅમના માસ્ટરમાઈન્ડ ઉક્રેનિયાના નાગરિક હોવાનું માનવામાં આવે છે. આ સ્કૅમમાં મુંબઈ, નવી મુંબઈ, થાણે અને મીરા-ભાયંદરના હજારો રોકાણકારોએ કરોડો રૂપિયા ગુમાવ્યા હતા.
આર્થિક ગુના શાખાના જણાવ્યા મુજબ રિયાઝને શનિવારે પુણે નજીકના પરિસરમાંથી પકડી પાડવામાં આવ્યો હતો. કોર્ટે તેને ત્રીજી ફેબ્રુઆરી સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હોવાથી તેની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. રિયાઝની પૂછપરછમાં આ સ્કૅમ સંબંધી મહત્ત્વની માહિતીઓ હાથ લાગવાની શક્યતા અધિકારીએ વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો : મુંબઈની કોલેજને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, સુરક્ષા એજન્સી ફરી એલર્ટ
વિરારમાં રહેતો રિયાઝ બિહારના પટનાનો વતની છે. પોતાને વ્હીસલ-બ્લોઅર ગણાવતો રિયાઝ આ સ્કૅમમાં સંડોવાયેલો મુખ્ય આરોપી હોવાનું આર્થિક ગુના શાખાનું કહેવું છે. આ કેસમાં અગાઉ કંપનીની જનરલ મૅનેજર અને યુક્રેનિયન નાગરિક તાન્યા ઝાસાતોસા ઉર્ફે તઝાગુલ ઝાસાતોસા, ડિરેક્ટર અશોક સુર્વે, સ્ટોર ઈન્ચાર્જ વેલેન્ટિના ગણેશ કુમાર અને કથિત હવાલા ઑપરેટર અલ્પેશ ખારાની ધરપકડ કરવામાં આવી હતી.