આમચી મુંબઈમહારાષ્ટ્ર

ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ટોપેની કાર પર હુમલો

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ભાજપના નેતા અને વિધાનસભ્ય બબનરાવ લોણીકરના કાર્યકર્તા દ્વારા મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન રાજેશ ટોપેના કાર પર હુમલો કરવામાં આવ્યો હતો. જાલના જિલ્લાની સહકારી બેંકના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી બાદ તેમના પર ગદ્દાર હોવાનો આક્ષેપ કરીને હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં જોકે કોઈ જખમી થયુું નહોતું.

રાજેશ ટોપેના કઝીન સતીશ ટોપે અને ભાજપના ભાઉસાહેબ જાવલે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ તરીકે બિનવિરોધ ચૂંટાઈ આવ્યા હતા. લોણીકરના ટેકેદારોએ પથ્થરો અને લાકડાના ટૂકડા બેંકના પરિસરમાં જ ઉભેલી ટોપેની કાર પર ફેંક્યા હતા. સદર બજાર પોલીસ ઘટનાસ્થળે ધસી આવી હતી અને તેમણે સ્થિતિ નિયંત્રણમાં લીધી હતી, એમ ઈન્સ્પેક્ટર પ્રશાંત મહાજને જણાવ્યું હતું.

શરદ પવાર જૂથના નેતા રાજેશ ટોપેએ બાદમાં જણાવ્યું હતું કે આપસી સમજૂતીની ફોર્મ્યુલા મુજબ નક્કી થયું હતું કે અધ્યક્ષનું પદ એનસીપી પાસે રહેશે અને ઉપાધ્યક્ષ પદ ભાજપના નેતાને આપવામાં આવશે. ભાજપ તરફથી કોણ ઉમેદવારી કરશે તે નક્કી કરવાનું કામ ભાજપનું હતું. આને માટે મને દોષ આપવો યોગ્ય નથી. ભાજપના ઉમેદવારના નામાંકનમાં મારી કોઈ ભૂમિકા નથી અને આ હિંસાની તપાસ થવી જોઈએ.

લોણીકરે કહ્યું હતું કે ટોપેએ વિશ્ર્વાસભંગ કર્યો હતો. ઉપાધ્યક્ષનું પદ પરતુર અથવા મંથા તહેસીલના ભાજપના નેતાને મળવું જોઈતું હતું, પરંતુ અન્ય વિસ્તારના જાવલેને આ પદ મળ્યું હતું. આને કારણે ટેકેદારો નારાજ હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button