ગોખલે બ્રિજ માટે આજે રાતના ગર્ડર લોન્ચિંગ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અંધેરી પૂર્વ અને પશ્ર્ચિમને જોડનારા ગોપાલ કૃષ્ણ ગોખલે બ્રિજ માટે ઓપન વેબ ગર્ડર નાખવાનું પહેલા તબક્કાનું ટ્રાયલ લોન્ચિંગનું કામ શુક્રવારે પૂરું થયું હતું. હવે શનિવારે મધ્ય રાતે ૧૨.૦૫થી વહેલી સવારના ૪.૦૦ વાગ્યા સુધીના સમયમાં પાલિકા દ્વારા ઓપન વેબ ગર્ડર નાખવાનું અંતિમ લોન્ચિંગ હાથ ધરવામાં આવશે. ૯૦ મીટરનો ગર્ડર જે રેલવે ટ્રેક ઉપર નાખવામાં આવવાનો છે, જે વિદ્યાવિહાર બ્રિજ પછીનો બીજો સૌથી મોટો ગર્ડર છે.
ગર્ડર નાખવા માટેની ટ્રાયલ રન ગુરુવાર મધરાત બાદ રાતના ૧૨ વાગ્યાએ હાથ ધરી હતી, જે શુક્રવાર વહેલી સવારના ચાર વાગ્યા સુધી ચાલી હતી. આ કામ સુપરવાઈઝિંગ એજેન્સી, પશ્ર્ચિમ રેલવે પ્રશાસન અને પાલિકા એન્જિનિયરિંગ સ્ટાફના નિરીક્ષણ હેઠળ હાથ ધરાઈ હતી. ટ્રાયલ રન સફળ રહી અને લગભગ ચાર મીટરનો ગર્ડર રેલવેના ભાગ ઉપર ઊભા કરાયેલા લોન્ચિંગ પેડ પર લોન્ચ કરવામાં આવ્યો હતો.
પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે વેસ્ટર્ન રેલવે સત્તાધીશોને અગાઉ જાણ કરી હતી તે મુજબ ઓપન વેબ ગર્ડરના પહેલા તબક્કાનું અંતિમ લોન્ચિંગ શનિવાર રાતથી રવિવાર વહેલી સવાર સુધી ચાલશે. ટ્રાયલ રન દરમિયાન બ્રિજના સ્ટીલ ગર્ડરને સુપરસ્ટ્રક્ચર પર એસેમ્બર કર્યા પછી લોન્ચ કરવામાં આવી હતી. પહેલા ગર્ડર નાખવાનું કામ પૂરું કર્યા પછી પાલિકા આગામી બે મહિનામાં કામ પૂરું કરવા માટે આગામી દિવસમાં કેરેજવે બનાવવાનું કામ હાથ ધરાશે.
અંધેરીનો ગોખલે પૂલ જોખમી જાહેર કર્યા બાદ નવેમ્બર, ૨૦૨૨થી બંધ કરવામાં આવ્યો છે. બ્રિજના રેલવે ભાગને તોડી પાડવાનું કામ ડિસેમ્બર, ૨૦૨૨માં ચાલુ કરવામાં આવ્યું હતું અને પુન: નિર્માણનું કામ જાન્યુઆરી ૨૦૨૩માં ચાલુ કરવામાં આવ્યું હતું. છતાં ૩૧ મે સુધીમાં એક લેન ખુલ્લી મૂકવાનું વચન પાળવામાં પાલિકા નિષ્ફળ ગઈ હતી. હવે આખો બ્રિજ મે, ૨૦૨૪ સુધીમાં ખુલ્લો મુકવામાં આવશે. અંદાજે આ પુલની કિંમત ૯૦ કરોડ રૂપિયા છે.
પશ્ર્ચિમ રેલવેની ટ્રેનોના સમયમાં ફેરફાર
મુંબઈ: વિલે પાર્લે અને અંધેરી સ્ટેશન વચ્ચે આવેલા ગોખલે બ્રિજના પહેલા ઓપન વેબ ગર્ડરના લોન્ચિંગને લઈને બે અને ત્રણ ડિસેમ્બરના રોજ રાતે ૧૨.૪૫ વાગ્યાથી ૦૪.૪૫ વાગ્યા સુધી પશ્ચિમ રેલવેની દરેક લાઇન પર મેજર બ્લોક રાખવામા આવ્યો છે.
ગોખલે બ્રિજના આ કામને કારણે પશ્ચિમ રેલવે માર્ગ પર દોડતી અનેક લોકલ અને મેલ એક્સ્પ્રેસ ટ્રેનોને પણ અસર થશે. પશ્ચિમ રેલવેએ જારી કરેલી અખબારી યાદી મુજબ બોલ્ક દરમિયાન રાતે ૧૨.૪૫ થી ૦૪.૪૫ વાગ્યા સુધી અનેક લોકલ ટ્રેનની સેવાઓ રદ કરવામાં આવશે.
ગર્ડર લોન્ચિંગ માટે રાખવામા આવેલા બોલ્કને લીધે ચર્ચગેટથી વિરાર અને વિરારથી ચર્ચગેટ સુધીની છ લોકલ ટ્રેનો અને પાંચ એક્સ્પ્રેસ ટ્રેનો એમ કુલ ૧૧ ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફાર વિશેની યાદી પશ્ચિમ રેલવેના સ્ટેશનો પર ઉપલબ્ધ કરવામાં આવી છે.