શનિવારે મધ્ય રેલવેમાં રહેશે નાઈટ બ્લોક, જાણી લેજો બ્લોકની વિગતો
મુંબઈ: મધ્ય રેલવેના થાણે અને મુલુંડ સ્ટેશન દરમિયાન અપ અને ડાઉન માર્ગની ફાસ્ટ લાઇન પર બ્લોક હાથ ધરવામાં આવવાનો છે. મધ્ય રેલવેના થાણે અને મુલુંડ સ્ટેશન વચ્ચેના એફઓબીને તોડવા માટે આવતીકાલે રાતના પાવર બ્લોક રાખવામાં આવવાનો છે. શનિવારે રાતના 11.30 વાગ્યાથી રવિવારે પરોઢિયે 4.30 વાગ્યા સુધી બ્લોક રહેશે. પાંચ કલાકના બ્લોકમાં થાણે અને મુલુંડ દરમિયાન ફાસ્ટ લાઇન પર બ્લોક દરમિયાન લોકલ ટ્રેનોને ખોપોલી (કેપી 17 ડાઉન) ફાસ્ટ સબર્બન ટ્રેનોને વિદ્યાવિહાર અને દીવા સ્ટેશન વચ્ચે સ્લો લાઇન પર ડાઇવર્ટ કરવામાં આવવાની છે તેમ જ અનેક ટ્રેનો બ્લોક દરમિયાન રદ રહેશે.
બ્લોકના સમયમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી)થી કલ્યાણ જતી છેલ્લી લોકલ રાતે 9.54 વાગ્યે ઉપડશે અને કલ્યાણથી સીએસએમટી જતી છેલ્લી લોકલ રાતે 11.05 વાગ્યે કલ્યાણથી રવાના થશે. આ સાથે લાંબા અંતરની મેલ અને એક્સ્પ્રેસ ટ્રેનોને પણ બ્લોકની અસર થવાની છે.
બ્લોક દરમિયાન સીએસએમટી-ચેન્નઈ સુપરફાસ્ટ મેલ (ટ્રેન નં. 22157), સીએસએમટી-મડગાંવ એક્સ્પ્રેસ (ટ્રેન નં. 20111), સીએસએમટી-અમૃતસર એક્સ્પ્રેસ (ટ્રેન નં. 11057), દાદર-સાઈનગર શિર્ડી એક્સ્પ્રેસ (ટ્રેન નં. 11041) અને સીએસએમટી-સાવંતવાડી તૂતારી એક્સ્પ્રેસ (ટ્રેન નં. 22177) આ ટ્રેનોને વિદ્યાવિહાર અને થાણે-દીવા સ્ટેશન વચ્ચે પાંચમી લાઇન પર ડાઇવર્ટ કરવામાં આવશે જેથી ટ્રેન 10-15 મિનિટ સુધી મોડી પડશે, એવી માહિતી રેલવેએ આપી હતી.
આ સાથે ભુવનેશ્વર-સીએસએમટી કોર્ણાક એક્સ્પ્રેસ (ટ્રેન નં. 11020), હાવડા-સીએસએમટી મેલ (ટ્રેન નં. 12810), મંગલુરુ-સીએસએમટી એક્સ્પ્રેસ (ટ્રેન નં. 12134), હૈદરાબાદ-સીએસએમટી હુસૈન સાગર એક્સ્પ્રેસ (ટ્રેન નં. 12702) અને ગડગ-સીએસએમટી એક્સ્પ્રેસ (ટ્રેન નં. 11140) આ બધી ટ્રેનોને કલ્યાણ-થાણે અને વિક્રોલી સ્ટેશન પર છઠ્ઠી લાઇન પર ડાઇવર્ટ કરતાં લોકલ ટ્રેનો મોડી પડી શકે છે, એમ મધ્ય રેલવેએ જણાવ્યું હતું.