આમચી મુંબઈ

ટોલથી મળશે મુક્તિ

થાણેવાસીઓને સૌથી વધુ ફાયદો

એમએસઆરડીસી ટોલનાકામાંથી પસાર થતાં વાહનોનો અહેવાલ તૈયાર કરી રહી છે

મુંબઈ: મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશને (એમએસઆરડીસી) મુંબઈનાં તમામ પાંચ ટોલનાકાંમાંથી દરરોજ પસાર થતાં વાહનોની ગણતરીનું કામ પૂરું કરી લીધું છે.
આગામી અમુક દિવસો દરમિયાન એમએસઆરડીસી ટોલનાકાંમાંથી પસાર થનારાં વાહનોનો અહેવાલ તૈયાર કરવાનું કામ પૂરું કરી લેશે. આ અહેવાલના આધારે સરકાર ટોલમાંથી રાહત આપવા વિશે નર્ણય લઇ શકે છે. સરકારના આ નિર્ણયનો સૌથી વધુ ફાયદો થાણેવાસીઓને થશે અને તેઓને ટોલમાંથી રાહત મળશે.
એમએસઆરડીસીના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર દિવાળી અને ફેસ્ટિવ સીઝનને કારણએ ટોલનાકાં પર વાહનોની ગણતરીની પ્રક્રિયા ૧૫ દિવસ માટે લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રજા હોવાને કારણે ઘણી ઓફિસો અને સંસ્થાઓ બંધ હતી. એવામાં મુંબઈમાં આવતાં-જતાં વાહનોની ગણતરી કરવી મુશ્કેલ હતું.
જોકે હવે ટોલનાકાં પર કેમેરાની મદદથી અહીંથી પસાર થતાં વાહનોની ગણતરીનું કામ પૂરું થઇ ગયું છે. કેમેરામાં દેખાતાં વાહનોની વિગતો ટોલનાકાંમાંથી એકઠી કરવામાં આવી રહી છે. નજીકના સમયમાં જ આ અંગેનો અહેવાલ તૈયાર કરવાનું કામ પૂરું થઇ જશે.
દરમિયાન ટોલનાકાં પર વસૂલી કરનારી કંપનીઓનો કોન્ટ્રેક્ટ પણ આગામી સમયમાં પૂરો થવાનો છે.
મુંબઈના હાઈવેની જાળવણીની જવાબદારી હવે પાલિકા પાસે છે, એવામાં મુખ્ય પ્રધાનના ગઢ મનાતા થાણેના નાગરિકોને રાહત મળવાની પૂરેપૂરી
સંભાવના છે. ઉ

ટોલ પાછું ખેંચવાનું શું છે ખરું કારણ?
મુંબઈ શહેરમાં પ્રવેશતાં અને બહાર જતાં વાહનોને પાંચ ટોલનાકાં પર ટોલ ભરવો પડતો હતો. આ ટોલ ઘણા સમયથી લેવામાં આવતો હતો અને તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. એવું કહેવાય છે કે લોકોના વિરોધ બાદ સરકાર બેકફૂટ પર ગઇ છે અને વાહનોની ગણતરી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આવતા વર્ષે થનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પણ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું મનાઈ રહ્યું છે.

સુવિધાને નામે ઠાગાંઠૈયા
ઓક્ટોબર મહિનાથી ટોલનાકાંના નવા દર અમલમાં આવ્યા હતા. ટોલની રકમ તો વધારી દેવાઈ પણ ટોલનાકાં પર યાત્રાળુઓની સુવિધાનું બિલકુલ ધ્યાન રાખવામાં આવતું ન હોવાની ફરિયાદ હંમેશાં મળતી હતી. બીજી બાજુ ટોલનાકાં નજીક વાહનોની લાંબી લાઈન પણ રહેતી હોવાથી વાહનચાલકોમાં હંમેશાં આક્રોશ રહેતો હતો. આ જ કારણથી ટોલનાકાં પર ઉઘરાવાતા ટોલનો વિરોધ કરવામાં આવ્યો હતો. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button