થાણેમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા રૂ. 6.5 હજાર કરોડના ખર્ચે એમએમઆરડીએના ત્રણ પ્રોજેકટ

થાણે: મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) દ્વારા થાણે જિલ્લાના ડેવલપમેન્ટ માટે અનેક પ્રકલ્પ હાથ ધર્યા છે. થાણે શહેરમાં ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા માટે એમએમઆરડીએ દ્વારા સાડાછ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરીને ત્રણ મહત્ત્વના પ્રોજેકટ બાંધકામ માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી છે.
થાણે શહેરમાં આવેલા બાળકુમથી ગાયમુખ ખાડી કિનારા માર્ગ, ઘાટકોપરથી થાણે દરમિયાનના ઈસ્ટર્ન ફ્રીવે માર્ગનો વિસ્તાર અને કાસારવડવલીથી ખારબાંબ સુધી એક ખાડીપૂલનું બાંધકામ આ ત્રણ પ્રોજેકટનું બાંધકામ ટૂંક સમયમાં શરૂ થશે એવી માહિતી એક અધિકારીએ આપી હતી. થાણે શહેરમાં ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા માટે બાળકુમથી ગાયમુખ ખાડી કિનારા વચ્ચે 13.14 કિલોમીટર લાંબા રસ્તાનું બાંધકામ કરવાનો નિર્ણય એમએમઆરડીએએ લીધો છે.
એક અધિકારીએ કહ્યું હતું કે બાળકુમથી ગાયમુખ ખાડી કિનારાનો આ રસ્તો છ લેનનો હશે અને 40થી 45 મીટર પહોળો હશે. આ રસ્તો બાળકુમ નજીકના ખારેગાવથી થઈને ઘોડબંદર રોડ પરના ગાયમુખ ખાતે પૂર્ણ થશે. આ રોડને લીધે મુંબઈથી થાણે સુધીની મુસાફરીના સમયમાં ઘટાડો આવશે. આ રોડ 13 કિલોમીટર લાંબો છે જેના માટે રૂ. 2527.91 કરોડનો ખર્ચ કરવામાં આવવાનો છે અને આ કામને પૂર્ણ કરવામાં 48 મહિના જેટલો સમય લાગી શકે છે.
એમએમઆરડીએના બીજા પ્રકલ્પમાં કાસારવડવલીથી ખારબાંબ દરમિયાન એક ખાડી પુલનું નિર્માણ કરવામાં આવવાનું છે. આ બ્રિજના બાંધકામ માટે રૂ. 1453.37 કરોડ રૂપિયાનો ખર્ચ કરી કામ માટે 42 મહિનાનો સમય લાગશે એવું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. તેમ જ ઘાટકોપરથી થાણે દરમિયાનના ઈસ્ટર્ન ફ્રીવે માર્ગનો વિસ્તાર કરવા માટે રૂ. 2560.61 કરોડનો ખર્ચ કરવામાં આવશે એવી માહિતી એમએમઆરડીએના અધિકારીએ આપી હતી.