ટીએમટીની ડોમ્બિવલી – દિવા બસ સેવા શરૂ
મુંબઈ: મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ (ટીએમટી) વિભાગે ડોમ્બિવલીના બાજીપ્રભુ ચોકથી દિવા પૂર્વ રેલવે સ્ટેશન સુધી બસ સેવા શરૂ કરી છે. આ બસ અગાસણ થઈને મુસાફરોનું પરિવહન કરે છે. ખાનગી બસો, રિક્ષા કરતાં ઓછા ભાવે દિવા વિસ્તારમાં પહોંચી શકતી હોવાથી આ બસને મુસાફરોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
આ બસની સવારથી બપોરે ૧૨ વાગ્યા સુધી ચાર ટ્રીપ અને સાંજે ચારથી ૧૦ દરમિયાન ચાર ટ્રીપ કરવાનું આયોજન છે. છેલ્લા કેટલાક વર્ષોમાં દિવા વિસ્તારનું મોટા પ્રમાણમાં શહેરીકરણ થયું છે અને આ વિસ્તારમાં મોટી સંખ્યામાં મધ્યમ વર્ગના નાગરિકો રહે છે. આ નાગરિકો ડોમ્બિવલી એમઆઇડીસી, રહેણાંક વિભાગ, ખાનગી સંસ્થાઓ, ખાનગી, સરકારી હૉસ્પિટલોમાં કામ માટે મોટી સંખ્યામાં ડોમ્બિવલી આવે છે. આ રહેવાસીઓને રિક્ષા દ્વારા દિવા સ્ટેશન પહોંચવા માટે ૧૫થી ૨૦ રૂપિયા ભાડું ચૂકવવું પડે છે અને ફરી ડોમ્બિવલી સ્ટેશન આવીને ઈચ્છિત જગ્યાએ જવા માટે સમાન રકમ ખર્ચ કરવી પડે છે. દરરોજ આટલી રકમ ખર્ચ કરવી શક્ય ન હોવાથી આ વિસ્તારના મુસાફરોએ દિવાથી ડોમ્બિવલી બસ શરૂ કરવાની માગ થાણે પરિવહન વિભાગને કરી હતી. મુસાફરોની માગને ધ્યાનમાં રાખીને, થાણે પરિવહન વિભાગે ડોમ્બિવલી પૂર્વ રેલવે સ્ટેશન વિસ્તારના બાજીપ્રભુ ચોકથી દિવા પૂર્વ રેલવે સ્ટેશન સુધી બસ સેવા શરૂ કરી છે અને તેને મુસાફરોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.