
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નાણાકીય ગેરરીતિના આરોપમાં પ્રો-વાઈસ ચાન્સેલરને હટાવ્યા બાદ શહેરમાં આવેલી ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સિસ (ટીઆઈએસએસ) હવે આગામી બે મહિનામાં નવા વાઇસ ચાન્સેલરની નિમણૂક કરવાનું વિચારી રહી છે. શુક્રવારે રાત્રે ટીઆઈએસએસે તેના પ્રો-વીસી પ્રોફેસર શંકર દાસને આર્થિક ગેરરીતિ અને અનિયમિતતાના આરોપો વચ્ચે તાત્કાલિક અસરથી પદ છોડવા કહ્યું હતું.
સક્ષમ અધિકારીની મંજૂરીના પરિણામે પ્રો-વાઈસ ચાન્સેલર પ્રો. શંકર દાસને તાત્કાલિક અસરથી પ્રો-વાઇસ ચાન્સેલરના ચાર્જમાંથી મુક્ત કરવામાં આવે છે, એમ ટીઆઈએસએસે તેના આદેશમાં જણાવ્યું હતું. સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (સીવીસી) તરફથી મળેલી ફરિયાદના પગલે તેમને તેમના પદ પરથી દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સૂત્રોએ શનિવારે જણાવ્યું હતું કે ટીઆઈએસએસ હવે સીધા વાઈસ ચાન્સેલર (વીસી)ની નિમણૂંક કરશે અને આ પ્રક્રિયામાં 1-2 મહિનાનો સમય લાગશે.
આ પછી, પ્રો-વીસી પદની જરૂર રહેશે નહીં, એમ તેમણે ઉમેર્યું હતું. પ્રોફેસર દાસ સામે ભંડોળના દુરુપયોગની ફરિયાદ બાદ ટીઆઈએસએસે એક ફેક્ટ ફાઈન્ડીંગ સમિતિની રચના કરી હતી અને સંસ્થાકીય પ્રક્રિયાઓ અનુસાર પ્રારંભિક તપાસ શરૂ કરી હતી. સમિતિએ ભલામણ કર્યા પછી કે વિગતવાર તપાસ જરૂરી છે, ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે બીજી સમિતિની નિમણૂક કરવામાં આવી હતી, જે હાલમાં ચાલી રહી છે.
જોકે, ટીઆઈએસએસ ખાતે સ્કૂલ ઓફ હેલ્થ સિસ્ટમ્સ સ્ટડીઝના ડીન દાસ ફેકલ્ટી સભ્ય તરીકે તેમની શૈક્ષણિક ભૂમિકા ચાલુ રાખશે. પ્રોફેસર દાસ 2008માં સંસ્થામાં જોડાયા હતા અને તેમને સરકાર, જાહેર ક્ષેત્ર, શૈક્ષણિક અને આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં 30 વર્ષથી વધુનો અનુભવ છે અને 30 જાન્યુઆરી, 2024ના રોજ ટીઆઈએસએસના પ્રો-વીસી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.