Top Newsઆમચી મુંબઈ

મુંબઈમાં મતદાન માટે જડબેસલાક બંદોબસ્ત: 28,000થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ રહેશે ખડેપગે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહાનગરપાલિકાની ચૂંટણી ગુુરુવારે યોજાવાની હોવાથી મુંબઈમાં પોલીસ દ્વારા જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મતદાન દરમિયાન કોઇ વિઘ્ન ન આવે તે માટે પોલીસ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવશે, જ્યારે મતદાન કેન્દ્રની નજીક અને અંદર મોબાઇલના ઉપયોગ પર મનાઇ ફરમાવવામાં આવી છે.

મુંબઈમાં મહાનગરપાલિકાના 227 વોર્ડની ચૂંટણી માટે ગુરુવારે મતદાન થવાનું છે, જ્યારે શુક્રવારે મતગણતરી થવાની છે. મતદાન વિના વિઘ્ને પાર પડે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે એ માટે પોલીસ દ્વારા મંગળવારથી મહાનગરમાં બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. પોલીસ કમિશનરના માર્ગદર્શન તેમ જ જોઇન્ટ પોલીસ કમિશનર (કાયદો-વ્યવસ્થા)ની દેખરેખ હેઠળ સુરક્ષાવ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

મુંબઈ પોલીસ દળમાંથી 10 એડિશનલ પોલીસ કમિશનર, 33 ડેપ્યુટી પોલીસ કમિશનર અને 87 આસિસ્ટન્ટ પોલીસ કમિશનર સહિત 3,000થી વધુ પોલીસ અધિકારીઓ અને પચીસ હજારથી વધુ પોલીસ કર્મચારીઓ સુરક્ષા માટે ખડેપગે રહેશે.

મહત્ત્વનાં મતદાન કેન્દ્રોની સુરક્ષા માટે વધારાના પોલીસ દળ અને હોમગાડર્સ તેમ જ ક્યુઆરટી (ક્વિક રિસ્પોન્સ ટીમ), બીડીડીએસ (બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કવોડ)ની ટીમ સહિત એસઆરપીએફ પ્લાટૂનની મદદ લેવામાં આવી છે.

પોલીસે નાગરિકોને જારી કરાયેલા આદેશનું પાલન કરીને સહકાર આપવા અને કોઇ પણમદદ માટે હેલ્પલાઇન નંબર 100/112 પર સંપક સાધવાની અપીલ કરી છે.

થાણેમાં 17 હજાર પોલીસ તહેનાત: ડ્રોનનો ઉપયોગ કરાશે

પાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખી થાણેમાં સુરક્ષાવ્યવસ્થા માટે 17 હજારથી વધુ પોલીસ તહેનાત રહેશે. એ ઉપરાંત દરેક પોલીસ સ્ટેશન દ્વારા નજર રાખવા માટે ડ્રોનનો ઉપયોગ કરાશે. મતદાનની પ્રક્રિયા સરળતાથી પાર પડે એ માટે પોલીસ અધિકારી-કર્મચારીઓને બંદોબસ્ત માટે રાખવામાં આવ્યા છે. એ સિવાય 6,295 જેટલા હોમગાડર્સ અને સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ (એસઆરપીએફ)ની છ પ્લાટૂનની પણ મદદ લેવામાં આવી છે. આચારસંહિતાનો ભંગ ન થાય એ માટે પ્રત્યેક પોલીસ સ્ટેશન દ્વારા ડ્રોન અને કેમેરાથી નજર રાખવામાં આવશે. દરમિયાન રેકોર્ડ પરના ગુનેગારોની પણ તપાસ કરવામાં આવશે.

આપણ વાંચો:  મહારાષ્ટ્રમાં આ ત્રણ દિવસ દારૂની દુકાનો બંધ રહેશે, જાણો ડ્રાય ડેની તારીખો

Kshitij Nayak

વરિષ્ઠ પત્રકાર બિઝનેસ, રાજકીય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વિવિધ પૂર્તિ તેમ જ સિટી ડેસ્કના ઈન્ચાર્જ સહિતની જવાબદારીઓ બજાવી ચૂક્યા છે. પત્રકારત્વ ક્ષેત્રે 20 વર્ષનો અનુભવ ધરાવે છે. દરેક વિષયો પર સારી એવી પકડ ધરાવે છે. More »

સંબંધિત લેખો

Back to top button