પત્નીના પ્રેમીની ગળું ચીરી હત્યા: પતિ સહિત બે કલ્યાણમાં પકડાયા
થાણે: પુણેમાં પત્નીના પ્રેમીની ગળું ચીરી કથિત હત્યા કરી ફરાર થઈ ગયેલા પતિ સહિત બે જણને પોલીસે થાણે નજીકના કલ્યાણ ખાતેથી પકડી પાડ્યા હતા.
ડોમ્બિવલીના માનપાડા પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર વિજય કડબનેએ જણાવ્યું હતું કે બુધવારે પકડાયેલા બન્ને આરોપીની ઓળખ રાજુકુમાર નાથુની પ્રસાદ સિંહ (33) અને ધીરજકુમાર રામોદ સિંહ (20) તરીકે થઈ હતી. પુણેના હિંજેવાડી પરિસરમાં મંગળવારે નર્સરીમાં કામ કરતા પ્રવીણ મહાતોની બ્લૅડથી ગળું ચીરી હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદ બન્ને આરોપી ફરાર થઈ ગયા હતા.
કેસની તપાસ દરમિયાન બન્ને આરોપી થાણે જિલ્લામાં હોવાની અને બિહાર સ્થિત વતન જઈ રહ્યા હોવાની માહિતી પુણે પોલીસને મળી હતી. માહિતીને આધારે પુણે પોલીસે આરોપીઓને પકડી પાડવા માટે થાણે પોલીસની મદદ માગી હતી.
માનપાડા પોલીસે ઑપરેશન હાથ ધરી આરોપીઓને ટ્રેસ કર્યા હતા. બુધવારે કલ્યાણ રેલવે સ્ટેશન પાસે છટકું ગોઠવી બન્નેને પકડી પાડવામાં આવ્યા હતા.
પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપી રાજુની પત્ની સાથે પ્રવીણને આડાસંબંધ હતા. આ બાબતે આરોપી પવીણને સમજાવવા ગયા હતા. આરોપી અને મૃતક વચ્ચે બોલાચાલી થતાં ગુસ્સામાં આરોપીએ તેની હત્યા કરી હતી. થાણે પોલીસે વધુ તપાસ માટે આરોપીઓને હિંજેવાડી પોલીસના તાબામાં સોંપ્યા હતા. (પીટીઆઈ)