આમચી મુંબઈ

કુવૈતથી આવેલી ભેદી બોટનું કોકડું ગૂંચવાયું ત્રણ શકમંદ સામાન્ય માછીમાર કે પછી કાવતરાખોર?

કુવૈતની બોટ ગેટવે સુધી પહોંચી ગઇ અને સુરક્ષા એજન્સીઓ ઊંઘતી રહી

મુંબઈ: ભારતની આર્થિક રાજધાની મુંબઈ ઉપર સૌથી ઘાતક આતંકવાદી હુમલો ૨૬ નવેમ્બર ૨૦૦૮ના રોજ થયો ત્યાર બાદ મુંબઈ સહિત ભારતના દરિયાકાંઠાની સુરક્ષા ઉપર મોટું પ્રશ્ર્નચિન્હ મૂકાયું હતું. જોકે, હજી પણ સમુદ્રકિનારાની સુરક્ષામાં છીંડા યથાવત્ છે તે મંગળવારે બનેલી ઘટના પરથી સાબિત થાય છે. કુવૈતથી ત્રણ વ્યક્તિ બોટ દ્વારા મુંબઈના દરિયાકિનારે ગેટ વે ઑફ ઇન્ડિયા સુધી પહોંચી જતા ખળભળાટ મચી ગયો હતો. મંગળવારે તેમને તાબામાં લઇ પૂછપરછ કરવામાં આવી, ત્યારબાદ બુધવારે ગેરકાયદે ભારતમાં પ્રવેશ કરવા બદલ તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેમને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવતા કોર્ટે ત્રણેયને ૧૦ ફેબ્રુઆરી સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી. ત્રણેયના નામ નિત્સો દિત્તો(૩૧ વર્ષ), વિજય વિનય એન્થની(૨૯ વર્ષ) અને જે.સહાયત્તા અનીષ(૨૯ વર્ષ) હોવાનું જાણવા મળ્યું છે.

સુરક્ષા એજન્સીઓએ ગેટ વે ખાતેથી અજાણી બોટમાં આવેલા ત્રણ વ્યક્તિની અટક કરી હતી. તેમની પૂછપરછ કરવામાં આવતા જે વિગતો સામે આવી તે સાંભળીને મુંબઈ પોલીસ જ નહીં, પણ કોસ્ટ ગાર્ડના પણ હોંશ ઊડી ગયા હતા. જોકે, સદ્ભાગ્યે અત્યાર સુધીની તેમની પૂછપરછમાં કંઇ શંકાસ્પદ જણાઇ આવ્યું નથી.

સુરક્ષા એજન્સીઓએ કરેલી પૂછપરછમાં કુવૈતથી બોટમાં આવેલા ત્રણેય શખસ તામિલનાડુના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલો કુવૈતમાં બોટ હાઇજેક થઇ તેનાથી જોડાયેલા હોવાનું પણ જણાયું હતું. ત્રણેયે પોતાના માલિકની બોટ હાઇજેક કરી હતી અને દરિયામાર્ગે ૨,૭૦૦ કિલોમીટરનું અંતર કાપીને તેઓ મુંબઈ પહોંચ્યા હતા. જોકે તેઓ છેક ગેટ વે સુધી પહોંચી ગયા ત્યાં સુધી કોસ્ટ ગાર્ડ કે પછી અન્ય સુરક્ષા એજન્સીઓને જાણ ન થઇ તેનાથી મોટું આશ્ર્ચર્ય સર્જાયું છે. આ ઘટના બાદ મુંબઈ ક્રાઇમ બ્રાંચ, ઍન્ટી ટેરરિઝમ સ્ક્વૉડ(એટીએસ), કોસ્ટ ગાર્ડ સહિત કેન્દ્રીય એજન્સીઓ પણ દોડતી થઇ ગઇ હતી.

ત્રણેય જણ કુવૈત ખાતે પોતાના માલિકથી ત્રાસી ગયા હોઇ વતન પાછા આવવા માટે માલિકની બોટ હાઇજેક કરી દરિયા માર્ગે ભારત આવ્યા હોવાનું તેમણે પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું. તેમના માલિકે તેમના પાસપોર્ટ લઇ લીધા હતા અને તેમને ત્રાસ આપતો હોવાનું ત્રણેયે પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું.

જોકે તેઓ ગેરકાયદે ભારતમાં ઘૂસ્યા હોવાને પગલે કોલાબા પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધ પાસપોર્ટ રૂલ્સની કલમ ૩(એ), પિનલ સેક્શન ૬(એ) હેઠળ કેસ નોંધીને તેમની ધરપકડ કરવામાં આવી હતી.

આ બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે તેમ જ સુરક્ષામાં ચૂક અંગે પણ ઝીણવટપૂર્વક ચકાસણી કરવામાં આવી રહી છે.

જોકે, આ ઘટના બાદ ૧૦ પાકિસ્તાની આતંકવાદી દરિયામાર્ગે મુંબઈ આવ્યા અને જે ખાનાખરાબી સર્જી તે ઘટના યાદ આવી ગઇ છે અને સુરક્ષામાં ગંભીર ચૂક પણ ઉજાગર થઇ છે.

જપ્ત જીપીએસ ઉપકરણ તપાસ માટે મોકલાવાયું

પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી વધુ ઉંડાણપૂર્વક તપાસમાં નવી બાબતો સામે આવી રહી છે. ત્રણેયે ભારતમાં પ્રવેશ કરતા પૂર્વે કુવૈત-સાઉદી અરેબિયા-પાકિસ્તાન રૂટનો ઉપયોગ કર્યો હોવાનું પોલીસને જણાયું હતું. તેઓ ૨૮ જાન્યુઆરીએ કુવૈતથી છટકીને સાઉદી અરેબિયા, કતર, દુબઇ, મસ્કત, ઓમાન અને પાકિસ્તાન આ માર્ગે થઇ ભારત આવ્યા હતા. આ ઉપરાંત પોલીસે તેમની બોટમાંથી તપાસ એજન્સીઓએ જીપીએસ(ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ)નું ઉપકરણ પણ જપ્ત કર્યું હતું.

કુવૈત મોકલનારા એજન્ટની થઇ ઓળખ

ત્રણેયને નોકરી માટે કુવૈત મોકલનારા એજન્ટની ઓળખ પણ સ્પષ્ટ થઇ ગઇ છે. પોલીસને તપાસમાં એજન્ટનું નામ કેપ્ટન મદન હોવાનું જાણવા મળ્યું હતું. બે વર્ષ પહેલા કેરળના ત્રિવેન્દ્રમથી કુવૈત મોકલવામાં આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું. તેઓ કુવૈતમાં અબ્દુલ્લા શારહીદ નામના વ્યક્તિ સાથે માછીમાર તરીકે કામ કરતા હતા. જોકે અબ્દુલ્લાએ તેમના પાસપોર્ટ પોતાની પાસે લઇ લીધા હતા અને તેમને પગાર પણ ચૂકવતો નહોતો. તેમની મારપીટ કરવામાં આવતી હોવાનું પણ ત્રણેયે પોલીસને જણાવ્યું હતું.

બૉમ્બ સ્ક્વૉડે કરી તપાસ
સાવચેતી માટે બૉમ્બ ડિટેક્શન ઍન્ડ ડિસ્પોઝલ સ્ક્વૉડ(બીડીડીએસ) દ્વારા ત્રણેય જે બોટમાં આવ્યા હતા, તેની તપાસ પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત તેમણે કુવૈતમાં કોઇ ગુનો આચર્યો છે કે પછી ઇન્ટરનેશનલ બોર્ડર ઓળંગતા પહેલા તેઓ કોઇ શંકાસ્પદ વ્યક્તિને મળ્યા હતા કે નહીં આ તમામ પાસાઓની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…