એટીએમમાંથી રૂપિયા કઢાવનારાઓને છેતરનારા ત્રણ જણ વાપીમાં ઝડપાયા
મુંબઈ: એટીએમમાં ડેબિટ કાર્ડ ફસાવી દીધા પછી તે જ કાર્ડની મદદથી બૅન્ક ખાતામાંથી રૂપિયા કઢાવી ખાતાધારક સાથે કથિત છેતરપિંડી કરનારા ત્રણ જણને ગુજરાતના વાપી ખાતેથી પકડી પાડવામાં આવ્યા હતા.
મીરા-ભાયંદર વસઈ-વિરાર ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડેલા આરોપીઓની ઓળખ શિવશંકર પ્રસાદ (25), ઉપેન્દ્ર સિંહ (45) અને પ્રિન્સ જયસ્વાલ (28) તરીકે થઈ હતી. શિવશંકર અને ઉપેન્દ્ર મજૂરી કરતા હતા, જ્યારે પ્રિન્સ ડ્રાઈવર હોવાનું પોલીસનું કહેવું છે.
પોલીસ ફરિયાદ અનુસાર અનિલ જાધવ (59) ભાયંદર પૂર્વમાં આવેલા ખાનગી બૅન્કના એટીએમ સેન્ટરમાં 7 એપ્રિલે ગયા હતા. મિની સ્ટેટમેન્ટ પ્રાપ્ત કર્યા પછી તેમનું ડેબિટ કાર્ડ મશીનની પૅનલમાં ફસાઈ ગયું હતું. થોડી મિનિટ પછી એટીએમ સેન્ટર બહાર ઊભેલો આરોપી જાધવ પાસે આવ્યો હતો અને કાર્ડનો પિન નંબર મશીનમાં દબાવવાથી કાર્ડ બહાર આવી જશે, એમ કહ્યું હતું.
મદદને બહાને આવેલા આરોપીએ આ રીતે જાધવના કાર્ડનો પિન નંબર જોઈ લીધો હતો. પિન નંબર નાખ્યા પછી પણ કાર્ડ મશીનમાંથી બહાર ન આવતાં જાધવે એટીએમ સેન્ટર બહાર આવીને મિત્રને ફોન કર્યો હતો અને કાર્ડ ફસાઈ ગયા બાબતે જાણકારી આપી હતી. આ સમય દરમિયાન આરોપીનો બીજો સાથી એટીએમ સેન્ટરમાં આવીને કાર્ડ લઈ રવાના થઈ ગયો હતો.
પોલીસના જણાવ્યા મુજબ આરોપીએ ગ્લૂ લગાવી કાર્ડ ફસાવવાની તરકીબ અજમાવી હતી. જાધવને પોતાનું કાર્ડ મશીનમાં જ ફસાયું હોવાનું લાગ્યું હતું, પરંતુ એ કાર્ડની મદદથી આરોપીના સાથી બીજા એટીએમ સેન્ટરમાંથી દોઢ લાખ રૂપિયા કઢાવી લીધા હતા. આ બાબતે જાણ થતાં જાધવે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપી વાપીમાં હોવાની માહિતી ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. માહિતીને આધારે પોલીસની ટીમે ત્રણેયને પકડી પાડ્યા હતા. આ તરકીબ અજમાવી આરોપીએ અનેક લોકોને છેતર્યા હોવાનું પોલીસ તપાસમાં જણાયું હતું.