એકનાથ શિંદે વિશે વાંધાજનક ટિપ્પણી: સ્ટૅન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરા વિરુદ્ધ વધુ ત્રણ એફઆઇઆર

મુંબઈ: નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે વિશે વાંધાજનક ટિપ્પણી કરવા પ્રકરણે સ્ટૅન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરા સામે રાજ્યમાં વધુ ત્રણ એફઆઇઆર દાખલ કરવામાં આવ્યા છે. કુણાલ કામરાએ તેના શોમાં નામ લીધા વિના શિંદેની શિવસેનામાંથી બળવાખોરી પરથી તેમને ગદ્દાર તરીકે સંબોધિત કરતાં વિવાદ ઊભો થયો હતો.
રાજ્યના અલગ અલગ ભાગમાં શુક્રવારે આ નવા કેસ દાખલ કરવામાં આવ્યા હતા અને વધુ તપાસ માટે તેમને ખાર પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
આ ત્રણ નવા એફઆઇઆર મનમાડના મયૂર બોરસે, જળગાંવ જામોદના સંજય ભુજબળ અને મનમાડના નાંદગાવના સુનીલ જાધવે દાખલ કરાવ્યા છે. તેઓ શિવસેનાના કાર્યકર છે.
આ પણ વાંચો: મુંબઈ જતા ડરી રહ્યો છે કામરા, આગોતરા જામીન માટે મદ્રાસ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યાં…
કાર્યકરોએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે શિંદે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન હોવા છતાં કામરાએ તેમનાં નૈતિક મૂલ્યોને બદનામ કર્યાં છે. તેણે વાંધાજનક નિવેદનો કરીને બે રાજકીય પક્ષ વચ્ચે ધિક્કારની લાગણી ઊભી કરી છે.
એકનાથ શિંદે વિશે વાંધાજનક ટિપ્પણી બદલ ખાર પોલીસે અગાઉ કુણાલ કામરા વિરુદ્ધ ફોજદારી બદનક્ષીના કેસની તપાસ શરૂ કરી છે અને તેને તપાસમાં જોડાયા બાદ બે સમન્સ પણ પાઠવ્યા છે. કામરાએ એક સપ્તાહનો સમય માગ્યો હતો, પણ પોલીસે તેની વિનંતી ફગાવી દીધી હતી અને તેને હાજર રહેવા માટે તાકીતદ આપી હતી. જોકે શુક્રવારે કામરાએ મદ્રાસ હાઇ કોર્ટમાંથી 7 એપ્રિલ સુધી વચગાળાના આગોતરા જામીન મેળવ્યા છે.
શિવસેનાના વિધાનસભ્ય મુરજી પટેલે નોંધાવેલી ફરિયાદને આધારે ખાર પોલીસે કામરા સામે ગુનો દાખલ કર્યો હતો.