નાયગાંવમાં હાઈવે નજીક મળેલા હાડપિંજરના કેસમાં સગીર સહિત ત્રણ પકડાયા | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

નાયગાંવમાં હાઈવે નજીક મળેલા હાડપિંજરના કેસમાં સગીર સહિત ત્રણ પકડાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ-અમદાવાદ હાઈવે પર નાયગાંવ નજીક મળેલા યુવકના હાડપિંજરના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે સગીસ સહિત ત્રણ જણને પકડી પાડ્યા હતા.

ક્રાઈમ બ્રાન્ચના વસઈ યુનિટના ઇન્ચાર્જ ઈન્સ્પેક્ટર શાહુરાજ રણવરેની ટીમે હાડપિંજર મળ્યાના પાંચ દિવસમાં કેસ ઉકેલી આરોપી પક્યા સૂરજ સિંહ (૩૦) અને આણંદ સજણે (૩૦)ની ધરપકડ કરી હતી. આ કેસમાં એક કિશોરની પણ સંડોવણી સામે આવતાં પોલીસે તેને તાબામાં લીધો હતો.
પોલીસના જણાવ્યા મુજબ મુંબઈ-અમદાવાદ હાઈવે પર બાફાને બ્રિજ નજીકના એક ખેતર પાસેના નાળા આસપાસના ઝાડીઝાંખરાંમાંથી ૨૨ નવેમ્બરે યુવકનું હાડપિંજર મળી આવ્યું હતું. મૃતકનાં કપડાંની મદદથી તેની ઓળખ મેળવવાના પ્રયત્નો હાથ ધરાયા હતા.
દરમિયાન નાયગાંવ પોલીસ સ્ટેશનમાં લવેશ રમેશ માળી (૨૩) ગુમ થયાની ફરિયાદ ૮ નવેમ્બરે નોંધાઈ હતી. લવેશના વર્ણન અને કપડાંને આધારે હાડપિંજર તેનું જ હોવાની ખાતરી થઈ હતી. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે લવેશને નશાનું વ્યસન હતું. તેની સાથે નશો કરનારા મિત્રો સાથે તેનો વિવાદ થયો હોવાની માહિતી પોલીસને મળી હતી.
માહિતીને આધારે પોલીસે સિંહને તાબામાં લીધો હતો. પૂછપરછમાં સિંહે જણાવ્યું હતું કે માળીએ તેની રિક્ષા ચલાવવા લીધી હતી. રિક્ષા એક વાહન સાથે ટકરાતાં તેનો કાચ તૂટી ગયો હતો. આ વાતને લઈ તેના મનમાં રોષ હતો. વળી, ૮ નવેમ્બરે માળી મિત્રો સાથે નશો કરી રહ્યો હતો. તે સમયે માળીએ સગીરના પાંચ હજાર રૂપિયા ચોર્યાની શંકાને પગલે તેમની વચ્ચે વિવાદ થયો હતો. માળીને ફટકાર્યા પછી માથા પર પથ્થર ઝીંકી તેની હત્યા કરવામાં આવી હતી. બાદમાં પુરાવાનો નાશ કરવા તેના મૃતદેહને નાળા નજીક ફેંકી દેવામાં આવ્યો હતો.ઉ

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button