આમચી મુંબઈ

સી-લિંક પર વિચિત્ર અકસ્માતમાં અંકલેશ્ર્વરના દંપતી સહિત ત્રણનાં મોત

એક કાર સાથે ટકરાયા પછી ડ્રાઈવરે ઇનોવા પૂરપાટ દોડાવી ટોલ બૂથ નજીક ઊભેલાં વાહનોને અડફેટે લીધાં

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગુજરાતના અંકલેશ્ર્વર જઈ રહેલા પરિવારની કારને બાન્દ્રા-વરલી સી-લિંક પર નડેલા વિચિત્ર અકસ્માતમાં દંપતી સહિત ત્રણ જણે જીવ ગુમાવ્યા હતા, જ્યારે છ જણ ઘવાયા હતા. મર્સિડીઝ કારને ટકરાયા પછી ડરી ગયેલા ડ્રાઈવરે ઇનોવા કાર પૂરપાટ દોડાવી મૂકી હતી અને ટોલ બૂથ નજીક ઊભેલાં ચારથી પાંચ વાહનને અડફેટે લીધાં હતાં.
બાન્દ્રા પોલીસના જણાવ્યા મુજબ અકસ્માતની ઘટના ગુરુવારની રાતે ૧૦.૧૫ વાગ્યાની આસપાસ બની હતી. આ ઘટનામાં મૃત્યુ પામેલાઓની ઓળખ હનીફ આદમ ફીર (૬૪), પત્ની હવાબીબી હનીફ ફીર અને સાસુ ખાતિલજાબીબી હાથિયા તરીકે થઈ હતી. ત્રણેય સિનિયર સિટિઝન અંકલેશ્ર્વરના દીવા ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું.
અંકલેશ્ર્વરમાં રહેતો પરિવાર બે દિવસ માટે મુંબઈમાં ફરવા અને હાજી અલી તેમ જ માહિમની દરગાહના દર્શને આવ્યો હતો. મુંબઈમાં ફર્યા પછી પરિવાર ગુરુવારની રાતે અંકલેશ્ર્વર જવા ઇનોવા કારમાં નીકળ્યો હતો. કાર તેમના પરિવારનો સભ્ય સરફરાઝ શેખ (૪૦) ચલાવી રહ્યો હતો.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના સમયે ઇનોવા કારમાં ડ્રાઈવર શેખ સહિત સાત જણ હાજર હતા. મુંબઈ સેન્ટ્રલમાં સગાંને ઘેરથી નીકળ્યા પછી શેખે કાર સી-લિંક તરફ લીધી હતી. વરલીથી સી-લિંક પર પ્રવેશ્યા પછી બાન્દ્રા તરફના ટોલ બૂથથી ૧૦૦ મીટરના અંતરે ઇનોવા કારે એક મર્સિડીઝ કારને ટક્કર મારી હતી. ઘટનાસ્થળેથી રફુચક્કર થવાને ઇરાદે શેખે કાર પૂરપાટ દોડાવી મૂકી હતી, જેને કારણે તેણે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો.
ઇનોવા કાર પહેલા ટોલ બૂથ નજીક ઊભેલી ટૅક્સીને ટકરાયા પછી ટેમ્પો સાથે ભટકાઈ હતી. ત્યાર બાદ ડિવાઈડર કુદાવી બીજાં વાહનો સાથે અથડાઈ હતી. અકસ્માતમાં જખમી નવ જણને નજીકની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ત્રણને મૃત જાહેર કરાયા હતા. જખમી છમાંથી ડ્રાઈવર શેખ સહિત બેની હાલત ગંભીર હોવાનું પોલીસનું કહેવું છે. આ પ્રકરણે બાન્દ્રા પોલીસે શેખ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો?