અપહરણ અને લૂંટના કેસમાં ત્રણ આરોપીનો નિર્દોષ છુટકારો
થાણે: અપહરણ અને લૂંટના 2010ના કેસમાં થાણે સેશન્સ કોર્ટે શંકાનો લાભ આપી ત્રણ આરોપીને નિર્દોષ છોડ્યા હતા.
એડિશનલ સેશન્સ જજ એ. એન. સિરસિકરે ગયા મહિને આપેલા ચુકાદામાં નોંધ્યું હતું કે તપાસકર્તા પક્ષ 43થી 47 વય જૂથના ત્રણેય આરોપી સામેના આરોપ પુરવાર કરવામાં નિષ્ફળ ગયો છે. ચુકાદાની નકલ સોમવારે ઉપલબ્ધ થઈ હતી.
ફરિયાદ પક્ષે કોર્ટમાં જણાવ્યું હતું કે 3 ડિસેમ્બર, 2010ના રોજ ફરિયાદી બાઈક પર ઘરે પાછો ફરી રહ્યો હતો ત્યારે થાણેમાં એક હૉસ્પિટલ નજીક કારમાં આવેલા આરોપીઓએ તેને આંતર્યો હતો. કારમાંથી ઊતરેલા પાંચ જણે ફરિયાદીનું અપહરણ કર્યું હતું અને તેને કારમાં વિટાવા લઈ જવાયો હતો. ફરિયાદીને ધમકાવી 18 હજાર રૂપિયાની સોનાની ચેન અને આઠ હજારની રોકડ લૂંટવામાં આવી હતી.
બચાવ પક્ષનાં વકીલ ડી. એલ. ઠામકે અને સ્વાતિ ચિટનીસે આરોપોનો વિરોધ કર્યો હતો અને ઘટનાક્રમમાં ક્ષતિઓ હોવાનું દર્શાવ્યું હતું.
આ પણ વાંચો : મહિલાઓ, ખેડૂતો, ઓબીસી-આદિવાસીઓ બધાને જ ખુશ કરવા માટેના પ્રયાસ: મુંબઈ-થાણેના રહેવાસીઓને પેટ્રોલ-ડીઝલના દરમાં મોટી રાહત
આદેશમાં કોર્ટે નોંધ્યું હતું કે બાતમીદાર આરોપીઓને ઓળખતો નથી અને ધરપકડ પૂર્વે ઓળખ પરેડ પણ થઈ નહોતી. પુરાવા 13 વર્ષના વિલંબ બાદ રેકોર્ડ કરવામાં આવ્યા, ત્રણ આરોપીની ઓળખ કઈ રીતે થઈ તેની સ્પષ્ટતા નથી, સાક્ષીઓનાં નિવેદનોમાં વિરોધાભાસ અને કેસ પુરવાર કરવામાં નિષ્ફળતા જેવા મુદ્દા કોર્ટે ચુકાદામાં નોંધ્યા હતા. (પીટીઆઈ)