મલાડ-માલવણીના હજારો ઝૂપડાનું કરાશે પુનર્વસનઃ મ્હાડાએ કરી મોટી જાહેરાત,

મુંબઈ: મલાડ, માલવણી ખાતે ૧૪,૦૦૦ ઝૂંપડાનો સમાવેશ કરતી એસઆરએ યોજનાને ઠેકાણે પાડવા માટે મ્હાડાના મુંબઈ ડિવિઝને પગલાં લેવાનું શરૂ કર્યું છે. એસઆરએની રખડી પડેલી ૨૧ ઝૂંપડપટ્ટી પુનર્વસન યોજના મ્હાડાને સોંપવામાં આવી છે જેમાં આ સૌથી મોટી છે.
૫૧ હેક્ટરની જગ્યા પર આવેલા રાજીવ ગાંધી નગરના પુનર્વસન યોજના માટે સલાહકાર અને આર્કિટેક્ટની નિમણૂક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને તે માટે શનિવારે ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યો છે. આ પ્રકલ્પ પૂર્ણ થતા છ વર્ષનો સમય લાગવાનો અંદાજ છે. રાજ્ય સરકારના નિર્દેશ અનુસાર એસઆરએ ઓથોરિટીએ સોંપેલી ૨૧ યોજનામાંથી ૧૭ યોજનાને મ્હાડાના મુંબઈ ડિવિઝિન દ્વારા માર્ગે લાવવામાં આવશે.
આ પણ વાંચો: રાજ્યમાં આખા વર્ષમાં મ્હાડા ૧૯,૪૯૭ ઘર બનાવશે
મ્હાડાએ જોગેશ્વરીની સાઇબાબા એસઆરએ યોજના, કુર્લાની શ્રમિક નગર અને ચેમ્બુરની જાગૃતિ એસઆરએ યોજનાને હાથમાં લીધી છે. આ ત્રણેય યોજના ૧૫૦૦થી ૨૦૦૮ ચોરસ મીટર ક્ષેત્રફળના હોઇ તેના માટે એસઆરએ ઓથોરિટી તરફથી લેટર ઓફ ઇન્ટેન્ટ (એલઓઆઇ) પણ આપવામાં આવ્યો છે. મ્હાડા ડિવિઝનના ગોરેગામ વિભાગે રાજીવગાંધી નગર પુનર્વસન યોજના હેઠળ ૫૧ હેક્ટર જમીન પરના ૧૪,૦૦૦ ઝૂંપડાનું પુનર્વસન કરવામાં આવનાર છે.
૧૫ વર્ષથી રખડેલી યોજના
રાજીવ ગાંધી નગર એસઆરએ યોજના ખાનગી બિલ્ડર દ્વારા પૂર્ણ કરવામાં આવનાર હતી. તેના માટે ડેવલપરની નિમણૂક પણ કરાઇ હતી, પરંતુ આર્થિક અને ટેક્નિકલ ખામીને કારણે આ યોજના ૧૫ વર્ષથી રખડી પડી હતી. હવે છ વર્ષમાં આ યોજના પાર પાડવામાં આવશે. મ્હાડાને પણ આ યોજના દ્વારા લોટરી માટે વધુ ઘરો મળશે. ઘાટકોપરના રમાબાઇ નગરના પુનર્વસનના આધારે રાજીવ ગાંધી નગરનો પુનર્વિકાસ કરવામાં આવશે.