શિવતીર્થ પર યોજાનારી ઠાકરેની દશેરા રેલીમાંથી હાથ પાછો ખેંચ્યો આ લોકોએ…
મુંબઈઃ આ વખતનો દશેરા મુંબઈ અને મહારાષ્ટ્રવાસીઓ માટે ખાસ રહેવાનો છે કારણ કે એક બાજું મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને ઉદ્વવ ઠાકરે દશેરાની રેલી યોજીને શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યા છે. પરંતુ આ વચ્ચે મહત્વની માહિતી આવી રહી છે અને એક સમુહ દ્વારા ઉદ્ધવ ઠાકરેની સભામાં સહભાગી નહીં થવાનો નિર્ણય લીધો છે અને એનું કારણ પણ આ સમુહ દ્વારા આપવામાં આવ્યો છે.
મુંબઈના ડબ્બાવાળાઓએ ઉદ્વવ ઠાકરેના જૂથ દ્વારા આયોજિત કરવામાં આવેલા દશેરાની રેલીમાં સહભાગી ન થવાનો નિર્ણય લીધો હતો અને મરાઠા આરક્ષણ માટે મનોજ જરાંગે પાટીલ દ્વારા પોકારવામાં આવેલા આંદોલનમાં સહભાગી થઈ રહ્યા હોવાને કારણે કોઈ પણ રાજકીય પક્ષના કાર્યક્રમમાં ભાગ નહીં લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનો મુંબઈ ડબાવાલા એસોસિએશનના અધ્યક્ષ સુભાષ તળેકરે જણાવ્યું હતું.
મોટાભાગના ડબાવાળા અને અમારો પરિવાર ઠાકરે જૂથની શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને પ્રમાણિક છીએ અને આ પછી પણ રહેશું. પરંતુ મરાઠા આરક્ષણની લડાઈને કારણે અને મનોજ જરાંગે પાટીલે સરકારને આપેલા અલ્ટીમેટમ જોતાં આ વર્ષે અમે ડબાવાળા શિવતીર્થ પર યોજાનારી સભામાં હાજરી આપીશું નહીં. પહેલાં મરાઠા આરક્ષણ અને બાદમાં પક્ષ એવી અમારી ભૂમિકા છે, એવું તળેકરે વધુમાં જણાવ્યું હતું.
વધુમાં તેમણે એવું પણ જણાવ્યું હતું કે મરાઠા આરક્ષણ આ મરાઠા જાતિની લડાઈ છે અને એ અમારે લડવી જ પડશે. હાલમાં આ લડાઈનું નેતૃત્વ મનોજ જરાંગે પાટીલ કરી રહ્યા છે. આ લડાઈમાં અમે એમની સાથે છીએ. અમને બાળાસાહેબ ઠાકરે, ઉદ્વ ઠાકરેનું નેતૃત્વ માન્ય હોવાને કારણે શિવતીર્થ પર યોજાનાર દશેરાની રેલીમાં અમે વાજતે-ગાજતે ગુલાલ ઉડાવતા જતા હતા. મુંબઈના ડબાવાળા શિવસેના હતા, છે અને રહેશે. પરંકુ મરાઠા આરક્ષણને કારણે આ વખતે સભામાં સહભાગી નહીં થઈએ, પરંતુ એને કારણે શિવસેના સાથેનો અમારો સંબંધ નથી બદલાઈ જતો.