આમચી મુંબઈ

વારંવાર વીજ પુરવઠો ખોરવાતા પરિવારને લઈને મહાવિતરણની ઓફિસમાં આ રીતે કર્યું વિરોધ પ્રદર્શન…

ડોંબિવલી: કલ્યાણ ડોંબિવલી પૂર્વમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાતો હોવાને કારણે નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરંતુ બુધવારના દિવસે તો એક પરિવારે MSEBની ઓફિસમાં ઊંઘી જઈને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે અહીંના નાગરિકો એક વર્ષથી આ સમસ્યા ત્રસ્ત થઈ ગયા છે. વારંવાર ફરિયાદ કર્યા છતાં પણ મહાવિતરણ દ્વારા આ બાબતે અવગણના કરવામાં આવતી હોવાથી કલ્યાણ પૂર્વના એક પરિવારે રાત્રે MSEB કચેરીમાં સૂઈ જઈને વિરોધ કર્યો હોવાની ઘટના સામે આવી રહી છે. પરિવારનું આ આક્રમક વલણ જોતા નાઈટ ડ્યુટી પર રહેલા કર્મચારીઓએ તાત્કાલિક જે તે વિસ્તારમાં વીજ પુરવઠો પૂર્વવત્ કરી દીધો હતો અને પરિવારને વિરોધ પાછો ખેંચવા વિનંતી કરતા મામલો થાળે પડ્યો હતો.


છેલ્લા ઘણા સમયથી કલ્યાણ ઈસ્ટના સૂચક નાકા ખાતે ઓવરલોડિંગના કારણે વીજ પુરવઠો ખોરવાઈ જતો હતો. આ અંગે સ્થાનિક નાગરિકોએ મહાવિતરણની ઓફિસમાં અનેક વખત ફરિયાદ કરી છે. પરંતુ મહાવિતરણ દ્વારા આ બાબતની અવગણના કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ નાગરિકો કરી રહ્યા છે.


આખરે બુધવારે રાત્રે સ્થાનિક રહેવાસીઓએ મહાવિરણની ઓફિસમાં ફરિયાદ કરવા ફોન કર્યો હતો પણ ફોન નહીં લાગતા કંટાળેલા રહેવાસીએ આ પગલું ઉઠાવ્યું હતું. રહેવાસી પોતાના પરિવાર સાથે સીધા મહાવિતરણની ઓફિસે પહોંચ્યા હતા. ઓફિસમાં કોઈ અધિકારી ન હોવા છતાં ઓફિસમાં પંખા અને વીજ પુરવઠો ચાલુ હોવાથી નારાજ વાઘમારે પરિવારે પરિવાર સાથે ઓફિસમાં સૂઈને મહાવિતરણના રેઢિયાળ કારભાર સામે વિરોધ નોંધાવવાનું શરૂ કર્યું હતું.


સ્થાનિક નાગરિકોનો આક્રોશ જોઈ MSEBના કર્મચારીઓએ તાત્કાલિક વિસ્તારની વીજ પુરવઠો પૂર્વવત કરી દીધો હતો. ત્યાર બાદ વાઘમારે પરિવારને આંદોલન પાછું ખેંચવાની વિનંતી કરવામાં આવી હતી. લગભગ અડધા કલાક પછી આ હાઈ વોલ્ટેજ ડ્રામાનો અંત આવ્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button