ત્રીજી રૉ-રૉ બોટ ગ્રીસથી મુંબઈ પહોંચીઃ સપ્ટેમ્બર અંત સુધીમાં સર્વિસ શરૂ કરાશે
મુંબઈ: ગ્રીસથી ત્રીજી રો-રો બોટ મુંબઈ આવી ગઈ છે. હાલમાં આ બોટની કસ્ટમ અને અન્ય વહીવટી મંજૂરીની પ્રક્રિયા ચાલી રહી છે અને સપ્ટેમ્બર પછી આ બોટ મુંબઈકરોની સેવા માટે શરૂ કરાશે. મુંબઈની પ્રથમ અત્યાધુનિક રો-રો બોટ ૧૫ માર્ચ ૨૦૨૦ના રોજ લોન્ચ કરવામાં આવી છે, જે ભાઉચા ધક્કાથી માંડવા સુધી ચાલી રહી છે.
જ્યારે બીજી મીની રો-રો બોટ ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૪થી વસઈથી ભાયંદર વચ્ચે કાર્યરત છે. હવે ત્રીજી બોટ ટૂંક સમયમાં મુસાફરોની સેવામાં આવશે. છેલ્લા ચાર વર્ષમાં ૨૦ લાખથી વધુ પ્રવાસીઓએ રો-રો દ્વારા મુસાફરી કરી છે. રજાના દિવસોમાં પ્રવાસીઓની ભીડ વધુ હોય છે, પરંતુ એક જ રો-રો બોટ હોવાથી જાળવણી સમારકામ અને
જાળવણીમાં સમસ્યા ઊભી થાય છે. આ કારણે બીજી બોટ ખરીદવામાં આવી છે. હાલમાં બીજી બોટનો રૂટ નક્કી થયો નથી. ૫૫ કરોડના ખર્ચે ત્રીજી રો-રો ગ્રીસના ડોમેસ્ટિક ક્રૂઝ ટર્મિનસથી લાવવામાં આવી છે.
હાલમાં કસ્ટમ ઓથોરિટી દ્વારા બોટનું કસ્ટમ ક્લિયરન્સ કામ ચાલુ છે. આ પછી મુંબઈ પોર્ટ ઓથોરિટી અને મહારાષ્ટ્ર મેરીટાઇમ કોર્પોરેશન પાસેથી વહીવટી મંજૂરી મેળવ્યા પછી, બોટનું પરીક્ષણ કરવામાં આવશે અને પછી જાહેર જનતા માટે શરૂ કરવામાં આવશે.