ભગવાનનો ફોટો પધરાવ્યા પછી પોતે દરિયામાં કૂદવાનું શું કામ વિચાર્યું?
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભગવાનના ફોટો પધરાવવા ગયેલી મુલુંડની મહિલાએ અટલ સેતુ પરથી કૂદકો મારવાનું શા માટે વિચાર્યું એ એક કોયડો છે ત્યારે પોલીસે દાવો કર્યો હતો કે મહિલા અકસ્માતે પડી રહી હતી અને સતર્ક કૅબ ડ્રાઈવર તેમ જ ટ્રાફિક પોલીસે તેને બચાવી લીધી હતી.
મુલુંડમાં રહેતી રીમા પટેલ (56) ભગવાનના ફોટા ઊંડા પાણીમાં પધરાવવા માટે શુક્રવારે ઍપ આધારિત કૅબમાં પહેલાં ઐરોલી ગઈ હતી. પછી તેણે દક્ષિણ મુંબઈ અને નવી મુંબઈને જોડતા અટલ સેતુ પર જવાનું વિચાર્યું હતું. કૅબ અટલ સેતુ પર રોકી તે બ્રિજની રૅલિંગ પર બેઠી હતી. ટ્રાફિક પોલીસની વૅન જોઈ તેણે દરિયામાં ઝંપલાવવાનો પ્રયાસ કર્યો હોવાનું પહેલાં ચર્ચાતું હતું. જોકે તપાસમાં અલગ માહિતી સામે આવી હોવાનું પોલીસનું કહેવું છે.
કહેવાય છે કે સાંજે 7.06 વાગ્યે અટલ સેતુ પર પેટ્રોલિંગ કરી રહેલી ટ્રાફિક પોલીસની વૅનને શેલગર ટોલ નાકા પાસેથી એક મેસેજ મળ્યો હતો. બ્રિજ પર એક કાર ઊભી રહી છે અને તેમાંથી ઊતરેલી મહિલા બ્રિજની રૅલિંગ પર બેસીને કંઈ કરી રહી છે. મેસેજ મળતાં પેટ્રોલિંગ પર હાજર ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ લલિત શિરસાઠ, કિરણ મ્હાત્રે, યશ સોનવણે અને મયૂર પાટીલ વૅન સાથે પહોંચી ગયા હતા.
ઘટનાના વાયરલ થયેલા વીડિયો અનુસાર પોલીસ વૅન પહોંચી ત્યારે મહિલા દરિયામાં પડી રહી હતી અને સતર્ક કૅબ ડ્રાઈવરે તેને વાળથી પકડી પાડી હતી. વૅનમાં હાજર પોલીસ કોન્સ્ટેબલોએ પણ ત્વરા દાખવી હતી. એક કોન્સ્ટેબલ રૅલિંગ પાર કરીને બ્રિજ પર ઊતર્યો હતો, જ્યારે બીજા બે કોન્સ્ટેબલ રેલિંગ પર ચડ્યા હતા. બચાવી લેવાયેલી મહિલાને ન્હાવા શેવા પોલીસ સ્ટેશને લઈ જવાઈ હતી.
ન્હાવા શેવા પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર અંજુમ ભગવાને જણાવ્યું હતું કે મહિલા ડિસ્ટર્બ હોવાનું પૂછપરછમાં જાણવા મળ્યું હતું. કોઈએ તેને ભગવાનના ફોટા ઊંડા પાણીમાં પધરાવવાની સલાહ આપી હતી. ફોટા પધરાવવા તે અટલ સેતુની રૅલિંગ પર બેઠી હતી. મહિલાએ પોલીસને કહ્યું હતું કે બે-ત્રણ ફોટા પધરાવ્યા પછી સંતુલન ગુમાવવાને કારણે તે દરિયામાં પડવાની હતી.