બોલો, લેખકના ઘરે ચોરે કરી ચોરી અને પસ્તાવો થયો પછી કંઈક આવું કર્યું…
ચોર માફી માગતી ચિઠ્ઠી પણ દીવાલ પર ચોંટાડી ગયો
મુંબઈ: રાયગઢ જિલ્લાના નેરળ પરિસરમાં આવેલા એક ઘરમાંથી ચોરે કીમતી વસ્તુઓ ચોરી હતી, પરંતુ એ ઘર પ્રસિદ્ધ મરાઠી લેખકનું હોવાનું ભાન થતાં પ્રસ્તાયેલા ચોરે ચોરેલી વસ્તુઓ પરત કરી હતી.
ચોરે જે ઘરમાં હાથફેરો કર્યો હતો તે મરાઠી કવિ અને સામાજિક કાર્યકર નારાયણ સુર્વેનું હતું. 84 વર્ષની વયે સુર્વેનું 16 ઑગસ્ટ, 2010ના રોજ નિધન થયું હતું. સુર્વેની દીકરી સુજાતા તેના પતિ ગણેશ ઘારે સાથે હવે આ ઘરમાં રહે છે.
ઘારે દંપતી પુત્ર સાથે 10 દિવસ માટે વિરારમાં સંબંધીને ઘરે ગયું હતું. આ સમય દરમિયાન તાળું તોડી ચોર ઘરમાંથી એલઈડી ટીવી સહિત અમુક વસ્તુઓ ચોરી ફરાર થઈ ગયો હતો. બીજે દિવસે ચોર ફરી વધુ ચીજો ચોરવા આવ્યો ત્યારે ઘરના એક રૂમમાં તેણે નારાયણ સુર્વેની તસવીર અને યાદગીરી જોઈ હતી.
આ પણ વાંચો : પુણેમાં બહેનપણી સાથે દારૂની પાર્ટી કર્યા બાદ સગીરાની આત્મહત્યા
પોલીસના અંદાજ મુજબ ચોર વાંચનનો શોખીન હશે અને તે સુર્વેને જાણતો હશે. તેથી પસ્તાવો થતાં ચોરેલી વસ્તુઓ તે પાછી મૂકી ગયો હતો. આ સાથે દીવાલ પર એક ચિઠ્ઠી ચોંટાડી ગયો હતો, જેમાં આવી મહાન સાહિત્યિક હસ્તીના ઘરમાં ચોરી કરી તે માટે તેણે માલિકની માફી માગી હતી.
સુજાતા અને તેનો પતિ રવિવારે થી વિરાર પાછાં ફર્યાં ત્યારે તેમણે આ ચિઠ્ઠી જોઈ હતી. આ મામલે તેણે પોલીસને જાણ કરી હતી, એવું નેરળ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું. પોલીસ ટીવી સેટ અને અન્ય વસ્તુઓ પરથી ફિંગરપ્રિન્ટ્સ મેળવી ચોરની શોધ ચલાવી રહી છે.