ભલે યાદીઓ બહાર પડતી, પણ મહાયુતીમાં બધુ સમુસુતરું નથી, આ બેઠકો બની છે માથાનો દુઃખાવો
મુંબઈ: એક તરફ અજિત પવાર અચાનક દિલ્હી ઉપડી ગયા છે ને બીજી બાજુ ભાજપ અને શિંદેસેનાએ ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડી છે. યાદી બહાર પાડતા જ મહાયુતીમાં કોણ કેટલી બેઠક પર લડશે તેનો અંદાજ સૌ કોઈ લગાડવા માંડ્યા હતા, પરંતુ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર શિંદેસેના અને ભાજપ વચ્ચે પણ બધુ સમુસુતરું ચાલી રહ્યું નથી. એવી 18થી 20 બેઠક છે જ્યાં બન્ને પક્ષ દાવો માંડીને બેઠા છે અને સમાધાન કરવા તૈયાર નથી. આ બેઠકોમાં મુંબઈની બેઠકોનો પણ સમાવેશ થાય છે. જેમાં અંધેરી પૂર્વ બેઠક પર ભાજપ અને શિવસેના બંને દ્વારા દાવો કરી રહ્યા છે અને કોઈ છોડવા તૈયાર નથી, આવી જ રીતે ચેમ્બુર, કલિના, વરલી, ડિંડોશી, શિવડી, ધારાવી, કોલ્હાપુર ઉત્તર, રત્નાગિરી, સોલાપુરની બે બેઠક આ બધામાં ભાજપ અને શિંદેસેના એકબીજા સામે ઊભી થઈ ગઈ છે ને કોઈ જતું કરવા તૈાર નથી, તેમ સૂત્રો જણાવે છે.
અહેમદનગરની કોપરગાંવ બેઠક અજિત પવારને જોઈએ છે ને ભાજપે પણ દાવો માંડ્યો છે, નાંદેડ, પરભણી, અમરાવતી, અકોલા વગેરે બેઠકો પર બન્ને પક્ષો દાવો કરે છે. અમુક બેઠક અપક્ષ ઉમેદવારોના હાથમાં છે, ભાજપ ત્યાં પોતાના ઉમેદવાર ઊભા કરવાની જીદ પકડીને બેઠું હોવાનું કહેવાય છે. એનસીપીનો ગ્રામીણ ભાગોમાં દબદબો હોવાથી તેઓ બેઠક જતી કરવા તૈયાર નથી જ્યારે મુંબઈની બેઠકો પર શિંદેસેના પર બાંધછોડ કરવા ન માગતી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
Also Read – મુંબઈની બેઠકો સહિત શિંદેસેનાના 45 ઉમેદવારના નામ જાહેર, સગાવ્હાલાને પણ તક
રસપ્રદ વાત તો એ છે કે આ બધી બેઠકો પર બન્ને પક્ષના ઇચ્છુક ઉમેદવારોએ તૈયારી શરૂ કરી દીધી છે. સાહિત્ય છપાવાથી માંડી સોસાયટીમાં આવરોજાવરો વધારી દીધો છે ત્યારે હજુ કોના ભાગે શું આવશે તે નક્કી નથી.