બીકેસીમાં ૧૦ મહિના રહેશે ટ્રાફિક જામ
બુલેટ ટ્રેનના અંડરગ્રાઉન્ડ સ્ટેશનના બાંધકામ માટે બે માર્ગ બંધ
મુંબઈ: બાંદરા કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) સ્થિત એમએમઆરડીએ મેદાન નીચે મુંબઈ – અમદાવાદ હાઈ સ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે બાંધવામાં આવનારા ભૂમિગત સ્થાનક (અન્ડર ગ્રાઉન્ડ સ્ટેશન) માટે બે માર્ગ મંગળવારથી વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. આવતા વર્ષ એટલે કે ૨૦૨૪ની ૩૦ જૂન સુધી આ બંને માર્ગ વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવશે એવી જાહેરાત ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી છે. આ નિર્ણયને કારણે અગાઉ ટ્રાફિકની સમસ્યાનો સામનો કરી રહેલા બીકેસી વિસ્તારના કર્મચારીઓની મુશ્કેલીમાં વધારો થવાનો છે.
બીકેસી માર્ગ પર ડાયમંડ જંક્શનથી જેએસડબ્લ્યુ કાર્યાલય અને બીકેસી રોડ પ્લેટિના જંક્શનથી મોતીલાલ નહેરુ નગર ટ્રેડ સેન્ટર દરમિયાનના માર્ગ પર બંને બાજુએ વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. પરિણામે એમટીએનએલ જંકશન, રજજાક જંકશન, કુર્લા, બીકેસી પરિસર, બીકેસી રોડથી ડાયમંડ જંકશન થઈ ડાબી કે જમણી બાજુ વળી જેએસડબ્લ્યુ કાર્યાલય અને ખેરવાડી પરિસરમાં જતા સર્વ વાહનો માટે રસ્તા બંધ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ખેરવાડી પરિસર, એશિયન હાર્ટ હૉસ્પિટલ, જેએસડબ્લ્યુ કાર્યાલયથી એમએમઆરડીએ કાર્યાલય અને જે. કુમાર યાર્ડથી જમણી બાજુ વળી ડાયમંડ જંકશન અને બીકેસી પરિસરમાં જતા દરેક વાહનો માટે રસ્તા બંધ કરવામાં આવ્યા છે.