આમચી મુંબઈ

‘ઈન્ડિયા બ્લોક’માં આપસી મતભેદ નહીં થાય

રાજસ્થાન – મધ્ય પ્રદેશની ચૂંટણીના ઉપલક્ષ્યમાં શરદ પવારની હૈયાધારણ

પુણે: અનેક પક્ષો એકત્રિત થઈ રચવામાં આવેલા ‘ઈન્ડિયા બ્લોક’ના સાથીદારો વચ્ચે આગામી મહિનાઓમાં રાજસ્થાન અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યોની ચૂંટણી વખતે કોઈ આપસી મતભેદ નહીં થાય એવી હૈયાધારણ રાષ્ટ્રીય કૉંગ્રેસ પક્ષ (એનસીપી)ના અધ્યક્ષ શરદ પવારે શુક્રવારે આપી હતી. મહારાષ્ટ્રના પુણે જિલ્લાના બારામતી ખાતે સંવાદદાતાઓ સાથેની વાતચીત વખતે પવારે મરાઠા આરક્ષણ અને કાંદાની નિકાસ પરની ડ્યૂટી જેવા મુદ્દા વિશે પણ વાત કરી હતી. આવતા વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષને લડત આપવા બે ડઝનથી વધુ પક્ષોએ ભેગા મળી ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઈન્ક્લુઝીવ અલાયન્સ (ઈન્ડિયા)ની રચના કરી છે.કૉંગ્રેસે પશ્ર્ચિમ બંગાળમાં કેટલીક બેઠકો પર દાવો કરતા રાજ્યમાં થોડું ઘર્ષણ નિર્માણ થયું છે એ સંદર્ભના પ્રશ્નનો ઉત્તર આપતા વરિષ્ઠ રાજકારણીએ જણાવ્યું હતું કે ‘પશ્ર્ચિમ બંગાળમાં નજીકના ભવિષ્યમાં કોઈ ચૂંટણી નથી થવાની. ચૂંટણી ઢૂંકડી આવશે ત્યારે ‘ઈન્ડિયા બ્લોક’ ના સહયોગીઓ વચ્ચે મતભેદની સંભાવના નકારી શકાય નહીં. જોકે, એ પરિસ્થિતિમાં જોડાણના તટસ્થ નેતાઓ મોકલી મતભેદનું નિવારણ કરવાની કોશિશ કરવામાં આવશે.’

શ્રી પવારે વધુમાં જણાવ્યું હતું કે ‘ચારથી પાંચ રાજ્યમાં ચૂંટણી થવાની છે અને એ આ જોડાણ માટે મહત્વની બાબત છે. રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં સહયોગી પક્ષો કેવી રીતે સમજૂતી સાધે છે એ ‘ઈન્ડિયા બ્લોક’ માટે મહત્ત્વનું છે. મુંબઈ પાછા ફર્યા બાદ હું કૉંગ્રેસ અને અન્ય સહયોગી પક્ષો સાથે ચર્ચા કરીશ અને આપસી મતભેદ ન ઊભા થાય એનું ધ્યાન રાખવામાં આવશે.’ આગામી કેટલાક મહિનામાં છત્તીસગઢ, મિઝોરમ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને તેલંગણામાં ચૂંટણી યોજાવાની છે. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button