આમચી મુંબઈ

કન્ટ્રોલ રૂમમાં એક ફોન આવ્યો અને પોલીસ દોડતી થઈ ગઈ…

મુંબઈ: ગોરેગામના બાંગુરનગરમાં મંદિર નજીક આંતકવાદીઓ છે અને આશરે ૨૦થી ૨૫ જણ બોમ્બ બનાવી રહ્યા હોવાની માહિતી આપતો ફોન પોલીસ કન્ટ્રોલ રૂમમાં આવ્યો હતો. આ ફોન આવતા જ મુંબઈ પોલીસ દોડતી થઈ હતી અને ફોન ફેક હોવાનું જાણવા મળ્યું હતું. દરમિયાન મુંબઈ પોલીસને દોડતી કરનારા ૪૪ વર્ષના શખસની ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ અનિલ સીતારામ સસાણે તરીકે કરવામાં આવી છે અને તેણે નશાની હાલતમાં ફોન કર્યો હોવાની માહિતી જાણવા મળી હતી.

સોમવારે મળસકે પોલીસ કન્ટ્રોલ રૂમમાં એક અજાણ્યા શખસનો ફોન આવ્યો હતો અને તેણે પોલીસને એવી માહિતી આપી હતી કે બાંગુરનગરમાં લેબર કેમ્પ ખાતે અયપ્પા મંદિર નજીક ૨૦થી ૨૫ જણ બોમ્બ બનાવી રહ્યા છે અને તેઓ આતંકવાદી છે. મેં તેમને બોમ્બ બનાવતા જોયા છે અને પોલીસની મદદ જોઇએ છે.

કન્ટ્રોલ રૂમને આવેલા ફોનની જાણ તાત્કાલિક બાંગુરનગર પોલીસને કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે જઇને તપાસ કરતાં ત્યાં કંઈ પણ શંકાસ્પદ મળ્યું નહોતું અને પોલીસે બાદમાં કન્ટ્રોલ રૂમમાં ફેક કોલ કરનારી શખસની શોધ શરૂ કરી હતી. દરમિયાન ફોન કરનાર વ્યક્તિ પત્રા ચાલમાં તેના નિવાસેથી તેને ઝડપી પાડ્યો હતો. પૂછપરછમાં આરોપી અનિલ સસાણેએ ઉડાઉ જવાબ આપ્યા હતા. પોલીસે તેનો મોબાઇલ તપાસતાં તેણે કન્ટ્રોલ રૂમને કૉલ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. દરમિયાન પોલીસે અનિલ સામે ગુનો દાખલ કરીને તેની ધપકડ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા પાંચ મહિનામાં બોમ્બની ધમકીને ૮૦થી વધુ કૉલ કન્ટ્રોલ રૂમને કરવામાં આવ્યા હતા. આ પહેલાં ગયા અઠવાડિયે કન્ટ્રોલ રૂમને કૉલ કરીને મંત્રાલયમાં બોમ્બ મૂક્યો હોવાનું જણાવવામાં આવ્યું હતું. પોલીસે તપાસ કરતાં કોઇ વાંધાજનક કે વિસ્ફોટક વસ્તુ મળી આવી નહોતી અને બોમ્બની વાત અફવા સાબિત થઇ હતી. દરમિયાન દક્ષિણ મુંબઈમાં રહેતી માનસિક રીતે અસ્વસ્થ મહિલાએ બે મહિનામાં આવા ૩૮ કૉલ કર્યા હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button