મુંબઈ-દિલ્હી ટ્રેનોની સમસ્યાથી હાલ કોઈ છુટકારો નહીં
મથુરા સ્ટેશન ખાતેના બ્લોકને લીધે ટ્રેનો કલાકો સુધી મોડી
મુંબઈ: મથુરા જંકશન પર યાર્ડ રિમોડલિંગના કામને લીધે મુંબઈ-દિલ્હી રેલવે માર્ગમાં દોડતી અનેક ટ્રેનો કલાકો સુધી મોડી દોડી રહી હોવાની સાથે અનેક ટ્રેનોને રદ પણ કરવામાં આવી છે. આ માર્ગમાં ટ્રેનો કલાકો સુધી મોડી પડતાં અને ટ્રેનો રદ થતાં પ્રવાસીઓની હાલાકી થઈ છે. આ મામલે એક રેલવે અધિકારીએ કહ્યું હતું કે મથુરામાં ચાલતા કામકાજને લીધે મુંબઈથી રવાના થનારી લગભગ ૨૨ ટ્રેનોને રદ કરવામાં આવી છે અને ૧૨ જેટલી ટ્રેનોના સમયમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે. ટ્રેનોના સમયમાં બદલાવ કરતાં આ માર્ગની બધીજ ટ્રેનો સાતથી આઠ કલાક સુધી મોડી દોડી રહી છે. ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયા સુધી ટ્રેનો આજ પ્રકારે દોડે એવી માહિતી અધિકારીએ આપી હતી.
ઉત્તર ભારતના મથુરા સ્ટેશનના કામને લીધે પશ્ર્ચિમ રેલવેમાં ટ્રેનોની સેવાને અસર થઈ છે. આ બાબતે વધુ માહિતી આપતા પશ્ર્ચિમ રેલવેના એક અધિકારીએ કહ્યું હતું કે યાર્ડ રિમોડલિંગના કામને કારણે લગભગ ૨૦ ટ્રેનોને રદ અને ૧૨ ટ્રેનના માર્ગમાં બદલાવ કરવામાં આવ્યો છે, પણ મુંબઈ ડિવિઝનના મધ્ય રેલવેથી છૂટતી માત્ર બે જ ટ્રેનને રદ કરવામાં આવી છે. ઉત્તર મધ્ય રેલવેના આગ્રા ડિવિઝનના મથુરા જંકશન પર યાર્ડ રિમોડલિંગના માટે નોન ઇન્ટરકોલિંગ કામોને કરવામાં આવી રહ્યા હોવાથી માર્ગની સેવાને અસર થઈ છે. ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં આ કામ પૂર્ણ થઈ જશે અને માર્ગની સેવાઓને ફરી નિયમિતપણે શરૂ કરવામાં આવશે એવી માહિતી રેલવે અધિકારીએ આપી હતી.
બ્લોકને લીધે ટ્રેનોને અસર થતાં પ્રવાસીઓ હેરાન
મથુરા સ્ટેશનના કામને લીધે મુંબઈ સાથે માર્ગમાં દોડતી કુલ ૨૯૭ ટ્રેનોને અસર થઈ છે.
કામને લીધે રૂટમાં બદલાવ કરવામાં આવતા પ્રવાસના સમયમાં કલાકોનો વધારો થઈ રહ્યો છે.
ટ્રેનો મોડી પડતાં એક પ્રવાસીએ કહ્યું હતું કે મુંબઈથી દિલ્હી જવા માટે ટ્રેન નંબર ૧૨૯૦૭ બુક કરાવી હતી. આ ટ્રેન મુંબઈથી તેના સમય પર રવાના થઈ હતી, પણ ટ્રેન જયપુર પહોંચ્યા બાદ તેને ડાઇવર્ટ કરવામાં આવી હતી, અને ટ્રેન જયપુર સ્ટેશન પર ઘણા સમય સુધી ઊભી હતી.