બે વખત કે બોગસ મતદાન કરનારાઓની ખેર નથી… બીજું શું કહ્યું ચૂંટણી પંચે?
મુંબઈઃ લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા આજે બપોરે જ પ્રેસ કોન્ફરન્સ લઈને તારીખોની જાહેરાત કરી હતી. 19મી એપ્રિલથી દેશભરમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનું હોઈ પહેલી જૂનના અંતિમ તબક્કાનું મતદાન કરવામાં આવશે. જ્યારે ચોથી જૂનના મતગણતરી કરવામાં આવવાની હોઈ પરિણામ જાહેર કરવામાં આવશે.
ચૂંટણીની તારીખો જાહેર કરતાં પહેલાં ઈલેક્શન કમિશનર રાજીવ કુમાર દ્વારા અનેક મહત્ત્વની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષ અને નેતાઓ માટેની નિયમાવલીથી લઈને મતદારોને કઈ કઈ સુવિધાઓ આપવામાં આવશે એની ઘોષણા કરવામાં આવી હતી.
આગામી ચૂંટણીને ધ્યાનમાં લઈને બોગસ મતદાન કે બે વખત મતદાન કરનારાઓ સામે પણ રાજીવ કુમારે લાલ આંખ કરી હતી. રાજીવ કુમારે જણાવ્યું હતું કે બે વખત મતદાન કરનારાઓ સામે ઈલેક્શન કમિશનર રાજીવ કુમારે કડક કાર્યવાહી કરવાની ચિમકી પણ ઉચ્ચારી હતી. ચૂંટણીમાં કોઈ પણ રીતે પૈસાનો દુરુપયોગ નહીં થવા દેવામાં આવે કે મની એન્ડ મસલ પાવરને પણ કોઈ ખાસ તવજ્જો નહીં આપવામાં આવે એવું તેમણે વધુમાં જણાવ્યું હતું. આ સિવાય દારુ અને સાડી વિતરણ કરનારાઓ પર પણ અમારી નજર રહેશે અને એમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
ઈલેક્શન કમિશનની પ્રેસ કોન્ફરન્સના મહત્ત્વના મુદ્દા
- જે ઠેકાણે અન્ય પક્ષની સભા ચાલી રહી હોય ત્યાં બીજા પક્ષે રેલી કરવી નહીં કે એક પક્ષના પોસ્ટર્સ બીજા પક્ષે ફાડવા કે કાઢવા નહીં
- રાજકીય પક્ષ અને ઉમેદવારોએ કે તેમના સમર્થકોએ બીજા પક્ષની સભા કે રેલીમાં અવરોધ ઊભો કરવો નહીં
- નેતાએ કે એમના સમર્થકોએ પરવાનગી વિના કોઈ પણ વ્યક્તિની જમીન, ઈમારત કે વિસ્તારની ભીંટ પર ઝંડા, બેનર લગાવવા નહીં
- મતદાતાઓને લાંચ આપવી, ધમકાવવા, મતદાન કેન્દ્રથી 100 મીટરની અંદર પ્રચાર કરવો ગુનો માનવામાં આવશે
- મતદાનના 48 કલાક પહેલાં ચૂંટણી પ્રચાર અને જાહેરસભા પર પ્રતિબંધ
- મંદિર, મસ્જિદ કે અન્ય કોઈ પણ પ્રાર્થનાસ્થળોનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરવો નહીં
- વિવિધ જાતિ અને સમુદાયમાં મતભેદ કે દ્વેષ વધારનારા નિવેદનો કે કૃત્ય ના કરવા
- કોઈ પણ પક્ષના, નેતાના કે કાર્યકર્તાના અંગત જીવન પર નિવેદનો આપવા નહીં