…તો હું મારો નિર્ણય પાછો લઈશ: નાર્વેકર
મુંબઈ: રાહુલ નાર્વેકરે આપેલા ચુકાદાથી શિવસેનાનાં બંને જૂથ અસંતુષ્ટ હોવાથી બંને જૂથે કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં છે. આના પર રાહુલ નાર્વેકરે પ્રતિક્રિયા આપી છે. નાર્વેકરે અમુક સમય પહેલાં મુંબઈમાં પત્રકારો સાથે વાતચીત કરી હતી. આ સમયે નાર્વેકરે જણાવ્યું હતું કે મેં કોઇને પણ અસંતુષ્ટ કરવા માટે આ ચુકાદો નથી આપ્યો. મેં કાયદાને ધ્યાનમાં રાખીને જ આ નિર્ણય આપ્યો છે. કાયદાને અનુરૂપ અને બંધારણની જોગવાઈનું પાલન કરીને
તેમ જ સુપ્રીમ કોર્ટનાં તત્ત્વોને આધારે આ ચુકાદો આપ્યો છે.
દરમિયાન બંને જૂથે કોર્ટમાં કરેલી અરજી પર રાહુલ નાર્વેકરે જણાવ્યુ ંહતું કે આપણા દેશમાં કોઇ પણ નાગરિક બંધારણની કલમ ૨૨૬ અને ૩૨ અંતર્ગત સુપ્રીમ કોર્ટમાં કે પછી હાઈ કોર્ટમાં નિશ્ર્ચિતપણે દાદ માગી શકે છે. બંને જૂથે અરજી કરી છે એટલે કે મેં આપેલો નિર્ણય અયોગ્ય છે એવું કહી ન શકાય. મારો નિર્ણય અયોગ્ય ઠરાવવા માટે એમાં કંઇ પણ નિયમની બહારનું છે કે શું. આમાં ગેરબંધારણીય છે કે શું કે પછી કંઇ ગેરકાયદે ઘડાયું છે? એ બધી બાબતો તેઓએ કોર્ટને દાખવવી પડશે. જો એવું થાય તો જ મારો નિર્ણય રિવર્સ થઇ શકે છે.