આમચી મુંબઈ

મહાલક્ષ્મી રેસ કોર્સમાં થીમ પાર્ક: બોમ્બે હાઈ કોર્ટે આપ્યો મોટો આદેશ

મુંબઈ: મહાલક્ષ્મી રેસ કોર્સની 120 એકરની જમીન પર ડેવલપમેન્ટ કરવાના વિરોધમાં બોમ્બે હાઈ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી મામલે અદાલતે મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ મહાપાલિકાને આગામી સુનાવણી સુધી ‘જૈસે થે’ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

અરજદાર સત્યેન કાપડિયાએ આ મામલે કોર્સની જમીન પર ડેવલપમેન્ટ કરવાના વિવાદાસ્પદ નિર્ણયને રદ કરવાની અરજી કોર્ટ સમક્ષ કરી હતી. પોતાને પર્યાવરણવાદી ગણાવતા કાપડિયાની અરજીને સ્વીકારી કોર્ટે બંને પક્ષોને આગામી આદેશ સુધી આ મામલે કોઈ પણ પગલાં ન લેવાનો આદેશ આપ્યો હતો.

આ મામલે કોર્ટે કહ્યું હતું કે અમને વિશ્વાસ છે કે કોર્ટની આગળની કાર્યવાહી દરમિયાન આ મામલે બંને પક્ષો દ્વારા કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ નહીં કરશે. તેમ જ આ મામલે કોર્ટ દ્વારા દરેક બારીકથી બારીક માહિતી પર નજર રાખવામા આવશે. આ મામલે સરકારી પક્ષના વકીલે આગામી સુનાવણીમાં પોતાની દલીલો કોર્ટ સમક્ષ રજૂ કરશે એમ જણાવ્યું હતું.

અરજદાર કાપડિયાએ અરજીમાં જણાવ્યું હતું કે મહાલક્ષ્મી રેસ કોર્સની જમીનનો કોઈ પણ પ્રકારનો ઉપયોગ કરવો એ દરેક રીતે ગેરકાયદે છે તેમ જ રેસ કોર્સને ડેવલપ કરવાનો નિર્ણય મુખ્ય પ્રધાન, મહાપાલિકાના કમિશનર અને રોયલ વેસ્ટર્ન ઈન્ડિયા ટર્ફ ક્લબ લિમિટેડના ચેરમેન દ્વારા ગયા મહિને યોજાયેલી બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ રેસ કોર્સ રાજ્ય સરકારની માલિકીનું હોવા છતાં તેના પર કોઈપણ પ્રકારનું થીમ પાર્કનું નિર્માણ કરવું એ મુંબઈના પર્યાવરણ માટે જોખમી બની શકે છે.

પર્યાવરણ પ્રેમીઓ દ્વારા રેસ કોર્સની જમીન પર કોઈ પણ પ્રકારનું બાંધકામ કરવાના રાજ્ય સરકાર અને મહાપાલિકાના નિર્ણયને રદ કરીને આ મેદાનની જગ્યાને લોકો માટે ખુલ્લી મૂકવામાં આવે એવી અરજી બોમ્બે હાઈ કોર્ટમાં કરવામાં આવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button