બાન્દ્રાની ઑફિસમાંથી 1.90 કરોડના હીરાજડિત દાગીના ચોરનારા પકડાયા
કાચા હીરા આરોપીને સામાન્ય પથ્થર લાગતાં તેણે લૉકરમાં જ રહેવા દીધા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સૈફ અલી ખાના ઘરમાં ચોરીને ઇરાદે ઘૂસેલા આરોપીની પદ્ધતિથી જ બાન્દ્રામાં જ્વેલરી બ્રાન્ડની ઑફિસમાં પ્રવેશી લૉકરમાંથી 1.90 કરોડ રૂપિયાના હીરાજડિત સોનાના દાગીના ચોરવાના કેસમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી ચોરેલી મતા હસ્તગત કરી હતી. લૉકરમાં કરોડો રૂપિયાના કાચા હીરા પણ હતા, પરંતુ સામાન્ય પથ્થર સમજી આરોપીએ તેને ત્યાં જ રહેવા દીધા હતા.
બાન્દ્રા પોલીસે ધરપકડ કરેલા બન્ને આરોપીની ઓળખ આર્યા પ્રતાપ નાગ ઉર્ફે દીપક ધ્રુવ (31) અને રવીન્દ્ર કુમાર ગુપ્તા ઉર્ફે સલમાન શેખ (46) તરીકે થઈ હતી. પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીઓની વધુ પૂછપરછ ચાલી રહી છે.
અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો કરનારા આરોપીની જેમ જ આ કેસનો મુખ્ય આરોપી આર્યા નવમી માર્ચની રાતે બાન્દ્રા પશ્ર્ચિમમાં ગુરુ નાનક રોડ પરની ટર્નર હાઈટ બિલ્ડિંગમાં દાદર ચઢીને છઠ્ઠા માળે પહોંચ્યો હતો. બાદમાં પાઈપની મદદથી બારીમાંથી તે ઑફિસમાં ઘૂસ્યો હતો. ઑફિસમાં પ્રવેશતાં જ તેણે સીસીટીવી કૅમેરાની સ્વિચ ઑફ્ફ કરી નાખી હતી. જોકે ત્યાં સુધીમાં આરોપી કૅમેરામાં ઝડપાઈ ગયો હતો.
આ પણ વાંચો : થાણેમાં હત્યાના ત્રણ કેસ ઉકેલાયા: ત્રણ આરોપીની ધરપકડ…
ઑફિસમાં ખાંખાંખોળાં કરતી વખતે આરોપીને લૉકરની ચાવી સરળતાથી મળી ગઈ હતી. લૉકરને બંધ કરી ચાવી બાજુના ટેબલના ડ્રૉઅરમાં મૂકવામાં આવતી હતી. લૉકર ખોલીને આરોપીએ 1.90 કરોડ રૂપિયાના હીરાજડિત દાગીના ચોર્યા હતા. લૉકરમાં કરોડો રૂપિયાના કાચા હીરા હતા, પરંતુ તે સામાન્ય પથ્થર હોવાનું સમજીને આરોપીએ ચોર્યા નહોતા.
પોલીસના જણાવ્યા મુજબ આઠમી માર્ચની રાતે બંધ કરાયેલી ઑફિસ 10મી માર્ચની સવારે ખોલવામાં આવી ત્યારે ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી. આ પ્રકરણે સમર્થ બજાજની ફરિયાદને આધારે બાન્દ્રા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરી મુખ્ય આરોપીને વિશાખાપટ્ટનમથી, જ્યારે તેના સાથીને દક્ષિણ મુંબઈના ચોરબજારમાંથી તાબામાં લેવાયો હતો. આરોપીઓ પાસેથી ચોરીની બધી મતા હસ્તગત કરવામાં પોલીસને સફળતા મળી હતી.