આમચી મુંબઈ

બેસ્ટની બસમાં બોમ્બ હોવાની ધમકીનો ઇ-મેઇલ મોકલનારો યુવક પકડાયો

મુંબઈ: નવી મુંબઈથી મુલુંડ જનારી બેસ્ટની બસમાં બોમ્બ હોવાની ધમકી આપતો ઇ-મેઇલ બેસ્ટ ઉપક્રમને મોકલવામાં આવ્યો હતો, જેને પગલે નવી મુંબઈથી આવનારી છ બસ તથા મુલુંડ ડેપોમાં તપાસ કરાઇ હતી. જોકે કોઇ વાંધાજનક વસ્તુ મળી આવી નહોતી. બાદમાં ઇ-મેઇલ મોકલવા બદલ 21 વર્ષના યુવકને નવી મુંબઈથી ઝડપી પાડવામાં આવ્યો હતો.
બેસ્ટના વડાલા ખાતેના ક્ધટ્રોલ રૂમના મેઇલ આઇડી પર શનિવારે સવારે ઇ-મેઇલ આવ્યો હતો. આથી બેસ્ટના અધિકારીઓએ તાત્કાલિક પોલીસને તેની જાણ કરી હતી. મુલુંડ પોલીસની સાથે ડોગ સ્કવોડ અને બોમ્બ સ્કવોડ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

પોલીસ ટીમે નવી મુંબઈથી આવનારી છ બસની તપાસ કરી હતી. એ જ પ્રમાણે મુલુંડ ડેપોને ખાલી કરાવીને શોધ ચલાવવામાં આવી હતી, પણ કોઇ પણ વિસ્ફોટક કે વાંધાજનક વસ્તુ મળી આવી નહોતી. દરમિયાન ઇ-મેઇલ મોકલનારી વ્યક્તિની એન્ટિ ટેરરિઝમ સ્કવોડ (એટીએસ) દ્વારા શોધ ચલાવાઇ હતી. ઇ-મેઇલ નવી મુંબઈમાં મોકલાયો હોવાનું જાણવા મળતાં અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા અને હર્ષિલ પાનવાલા (21)ને ઝડપી પાડ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button