ડૉક્ટર દંપતી સાથે છેતરપિંડી આચરનારો યુવક બે મહિના બાદ ભોપાલથી ઝડપાયો
મુંબઈ: મલાડના ડોક્ટર દંપતી સાથે રૂ. ત્રણ લાખની છેતરપિંડી આચરનારા આરોપીને બે મહિના બાદ પોલીસે ભોપાલથી ઝડપી પાડ્યો હતો. દંપતીના પૈસા આરોપી વિમલ સાહુના બેન્ક ખાતામાં ટ્રેસ થયા હતા. સાહુ વિદ્યાર્થી છે અને ભોપાલમાં વ્યવસાય ધરાવે છે.
૭૦ વર્ષના ફરિયાદી અને તેમની પત્ની મલાડમાં છેલ્લાં ૪૦ વર્ષથી ક્લિનિક ચલાવતા હોઇ સાહુના એક સાથીદારે ફરિયાદીનો સંપર્ક સાધીને પોતાની ઓળખ સિંહ તરીકે આપી હતી. સિંહે દાવો કર્યો હતો કે તે પોલ્યુશન ક્ધટ્રોલ બોર્ડના આરોગ્ય વિભાગનો સિનિયર ઇન્સ્પેક્ટર છે. તેણે ફરિયાદીને જણાવ્યું હતું કે પોલ્યુશન ક્ધટ્રોલ બોર્ડનું લાઇસન્સ ન હોવાથી ક્લિનિક સામે એક દર્દીએ ફરિયાદ નોંધાવી છે અને ક્લિનિક એક કલાકમાં સીલ કરવામાં આવશે. ક્લિનિક વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદ અંગેના દસ્તાવેજોની માગણી ફરિયાદી ડોક્ટરે કરતા સિંહે કહ્યું હતું કે ક્લિનિક સીલ થયા બાદ તેમને તમામ દસ્તાવેજો આપવામાં આવશે.દરમિયાન સિંહે ડોક્ટરને કહ્યું હતું કે તમને જો તાત્કાલિક લાઇસન્સ જોઇતું હોય તો રૂ. ૪૦ હજાર ચૂકવવા પડશે. સિંહે બાદમાં ડોક્ટરને ક્યુઆર કૉડ મોકલતાં ડોક્ટરે તે સ્કેન કરીને પૈસા ચૂકવ્યા હતા.