સાયન પુલને તોડવાનું કામ ઘોંચમાં પડ્યું
ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ ન થતાં કામ હાલપૂરતું ટલ્લે ચડ્યું
મુંબઈ: મધ્ય રેલવેના સત્તામાં આવતા સાયન ફ્લાયઓવરને બંધ કરીને તેને ફરીથી બાંધવા માટે પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે ટ્રાફિકની સમસ્યનો ઉકેલ હજી સુધી થયો ન હોવાને કારણે પુલને પાડવાના કામમાં વિલંબ થઇ રહ્યો છે, એવી માહિતી રેલવેનાં સૂત્રોએ આપી હતી.
મધ્ય રેલવેની લોકલ સેવા વધુ ચલાવવા અને લોકલ તેમ જ લાંબા અંતરની ટ્રેનોને આવન-જાવનમાં કોઇ મુશ્કેલી ઊભી ન થાય એ માટે પાંચમી અને છઠ્ઠી લાઈનનું કામ કરવામાં આવી રહ્યું છે. આ કામ માટે બ્રિટિશ સમયમાં બાંધવામાં આવેલા ૧૧૦ વર્ષ જૂના સાયન ફ્લાયઓવરને પાડવો જરૂરી છે. આ પુલનું પુનર્બાંધકામ કરવામાં આવવાનું છે. જોકે પુલ બંધ કરવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા સર્જાઈ શકવાની પૂરેપૂરી શક્યતા હોઈ તેના વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવા માટે અને ટ્રાફિકનું આયોજન કરવા માટે પુલને પાડવાના કામમાં વિલંબ થઇ રહ્યો હોવાની માહિતી રેલવેનાં સૂત્રોએ આપી હતી.સાયન ફ્લાયઓવર ધારાવી, ચેમ્બુર અને દક્ષિણ મુંબઈ માટેનો આવ-જા કરવા માટેનો મુખ્ય માર્ગ છે. જોકે સાયન ફ્લાયઓવર પુનર્બાંધકામ માટે બંધ કરવામાં આવે તો એ પુલ પરના ટ્રાફિક માટે વૈકલ્પિક માર્ગ પર વાળવામાં આવશે. જોકે નવો બ્રિજ બાંધવા માટે અંદાજે રૂ. ૫૦ કરોડનો ખર્ચ થવાનો હોવાનું રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.