મીઠી નદીને પહોળી કરવાને આડે આવતા બાંધકામનો દસ વર્ષે સફાયો
કુર્લા કિસ્મત નગરમાં ૫૬ અતિક્રમણ સામે કાર્યવાહી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મીઠી નદીને પહોળી કરવાના પ્રોજેક્ટમાં અડચણરૂપ રહેલા ૫૬ બાંધકામને તોડી પાડવામાં મુંબઈ મહાનગરપાલિકાને છેક દસ વર્ષનો સમય લાગ્યો છે. દસ વર્ષ બાદ પાલિકાના ‘એલ’ વોર્ડ દ્વારા કુર્લા (પશ્ર્ચિમ)માં કિસ્મત નગરમાં રહેલા કર્મશિયલ બાંધકામને ગુરુવારે તોડી પાડવામાં આવ્યા હતા. કુર્લા વિસ્તારમાંથી મીઠી નદીના કિનારે છેલ્લા અનેક વર્ષોથી મોટા પ્રમાણમાં બાંધકામ રહ્યા છે, જેને હટાવવા પાલિકા માટે માથાનો દુખાવો બની ગયો છે. આ બાંધકામ મીઠી નદીને પહોળી કરવામાં અડચણરૂપ બની રહ્યા હતા. ‘એલ’ વોર્ડ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર ધનાજી હેર્લેકરના જણાવ્યા મુજબ કલિના પૂલથી સીએસટી પૂલ દરમિયાન કુલ ૯૦૦ મીટરના ક્ષેત્રમાં નદીના પટમાં તેમ જ નદીના કિનારા પર કુલ ૭૫૦ બાંધકામ નદીને પહોળી કરવાના પ્રોજેક્ટને આડે આવી રહ્યા હતા. ગુરુવાર, ૩૦ નવેમ્બરના કુર્લા કિસ્મત નગરમાં રહેલા ૫૬ બાંધકામને તોડી પાડવામાં આવ્યા હતા.
આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર ધનાજી હેર્લેકરે વધુમાં જણાવ્યું હતું કે નદીને પટમાં રહેલા અને અડચણરૂપ રહેલા આ બાંધકામને ગુરુવારે હટાવવામાં આવ્યા છે, જોકે તેને હટાવવામાં પાલિકાને દસ વર્ષનો લાંબો ગાળો લાગ્યો છે. બાંધકામ હટાવવા માટે પાલિકાએ આપેલી નોટિસના વિરોધમાં અમુક ગોદામના માલિકો કોર્ટમાં ગયા હતા. છેલ્લા દસ વર્ષથી આ કાર્યવાહી અટવાઈ પડી હતી. તે છેક ગુરુવારે બાંધકામ તોડી પાડવામાં સફળતા મળી હતી. ગુરુવારથી ચાલુ થયેલા કાર્યવાહીને કારણે કુલ એક એકર ક્ષેત્રફળની જગ્યા અતિક્રમણ મુક્ત થઈ હતી.
આ કાર્યવાહી માટે પાલિકાના ૧૫ ઍન્જિનિયર, અને ૧૦૦ કામગારોની મદદ લેવામાં આવી હતી. તો ૫૦ પોલીસ કર્મીઓએ આ કાર્યવાહીમાં મદદ કરી હતી. આ કાર્યવાહી બાદ નદી પહોળી કરવાના પ્રોજેક્ટની સાથે જ સર્વિસ રોડનું કામ પણ જલદી હાથ ધરવામાં આવશે એવું હેર્લેકરે જણાવ્યું હતું.
નોંધનીય છે કે મુંબઈમાં ૨૬ જુલાઈ, ૨૦૦૫માં થયેલી અતિવૃષ્ટિ બાદ આવેલી વિનાશકારી પૂર માટે મીઠી નદીને જવાબદાર ગણાય છે. ૨૬ જુલાઈની દુર્ઘટનામાંથી પાઠ લઈને પાલિકા પ્રશાસને મીઠી નદીને પહોળી કરવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. મીઠી નદી પર મોટા પ્રમાણ રહેલા અતિક્રમણને હટાવીને મીઠી નદીને પહોળી કરવાના ભગીરથ પ્રયાસમાં હજી સુધી પાલિકા સફળ થઈ શકી નથી. હજી પણ મીઠી નદીને પહોળી કરવાના કામમાં અનેક ઠેકાણે અતિક્રમણો છે, જેને દૂર કરવામાં વર્ષોથી અડચણો આવતી રહી છે.