દક્ષિણ મુંબઈના વિસ્તારોના નાગરિકોની પાણીની સમસ્યા થશે દૂર
23 કરોડના ખર્ચે પાલિકા બેસાડશે ભૂગર્ભ ટાંકી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના છેક છેવાડે આવેલા કોલાબા પરિસરમાં ઓછા દબાણથી અને અપૂરતો પાણી પુરવઠો મળી રહ્યો હોવાની લાંબા સમયથી સ્થાનિક નાગરિકો ફરિયાદ કરી રહ્યા હતા. બહુ જલદી તેમની સમસ્યાનું નિરાકરણ આવવાનું છે. મુંબઈ મહાનગરપાલિકાએ કોલાબામાં મીનુ દેસાઈ રોડ પર પાણીને સાચવવા માટે અંડરગ્રાઉન્ડ ટાંકી બાંધવાનો નિર્ણય લીધો છે.
મુંબઈના છેક દક્ષિણ કિનારે આવેલા કોલાબામાં લાંબા સમયથી અપૂરતા પાણીની ફરિયાદ નાગરિકો કરતા આવ્યા છે અને પાલિકા દ્વારા પણ વખતોવખત આ વિસ્તાર મુંબઈના છેક છેવાડે આવેલો હોવાથી તેમ જ પાણીપુરવઠો કરનારી પાઈપલાઈન જૂની થઈ ગઈ હોવાની સ્પષ્ટતા કરતી રહી છે. હવે જોકે પાલિકાએ `એ’ વોર્ડમાં મીનુ દેસાઈ રોડ પર પાણીનો સંગ્રહ કરનારી અંડરગ્રાઉન્ડ ટાંકી બનાવવાની છે.
પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ આ ટાંકીની ક્ષમતા 10 લાખ 50 હજાર મિલિયન લિટર (એમએલડી)ની રહેશે. આ અંડરગ્રાઉન્ડ ટાંકીને કારણે કોલાબા, બધવાર પાર્ક-કોળીવાડા, આઝાદ નગર જેવા પરિસરમાં પાણીની સમસ્યાથી છૂટકારો મળશે. આ માટે મુંબઈ મહાનગરપાલિકા લગભગ 23,08,56,000 રૂપિયાનો ખર્ચ કરવાની છે.
મુંબઈને દરરોજ 3,950 એમએલડી પાણીપુરવઠો કરવામાં આવે છે. મુંબઈની લોકસંખ્યાને જોતા દરરોજ 4,500 એમએલડી જેટલો પાણીપુરવઠો થવો જોઈએ. પરંતુ એટલા પ્રમાણમાં પાણી પુરવઠો થતો ન હોવાથી મુંબઈના અનેક વિસ્તારમાં અપૂરતો અને ઓછા દબાણે પાણીપુરવઠો થાય છે. કોલાબા પરિસરમાં લોકસંખ્યા વધતી હોવાથી પાણી ઓછું મળી રહ્યું હોવાનો સ્થાનિક નાગરિકોની ફરિયાદ રહી છે. ત્યારે હવે નવી બાંધવામાં આવનારી અંડરગ્રાઉન્ડ ટાંકીને કારણે
પાણીની સમસ્યાનો અંત આવશે એવો પાલિકાનો
દાવો છે.
આ દરમિયાન પાલિકા કોલાબા, નેવી નગરમાં નાળાને પહોળા અને ઊંડા કરવાનું કામ પણ હાથ ધરવાની છે. તે માટે પાલિકા 7,02,33,000 રૂપિયાનો ખર્ચ કરવાની હોવાનું સ્ટોર્મ વોટર ડે્રનેજ ડિપાર્ટમેન્ટના અધિકારીએ જણાવ્યું હતું. ઉ