કારની તોડફોડ કરનારાઓનો સત્કાર: સોશિયલ મીડિયા પરથી મેળવ્યું હતું સદાવર્તેના ઘરનું સરનામું
મુંબઇ: મરાઠા અનામતના વિરોધમાં વિધાન કરનારા એડ. ગુણરત્ન સદાવર્તે પર રોષ વ્યક્ત કરી મરાઠા આંદોલનકર્તાઓએ તેમની ગાડીની તોડફોડ કરી હતી. ગઇ કાલે સવારે સદાવર્તેની ગાડીની મરાઠા આંદોલનકર્તાઓએ તોડફોડ કરી હતી. આ કિસ્સામાં ત્રણ લોકો પર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જોકે પાંચ હજારનો દંડ ફટકારી ત્રણેની શરતી જામીન મંજૂર કરવામાં આવી હતી. જામીન પર છૂટેલા આ ત્રણેનું ડોંબિવલી મરાઠા લોકો દ્વારા સત્કાર કરવામાં આવ્યો હતો. આ કેસમાં મંગેશ સાબળે નામના વ્યક્તીએ આગેવાની કરીને ગાડીની તોડફોડ કરી હોવાની વિગતો જાણવા મળી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આંદોલનકરનારાઓએ ગુણરત્ન સદાવર્તેની કારની તોડફોડ કરવા માટે સોશિયલ મીડિયામાંથી જાણકારી મેળવી હતી. સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધ થયેલ સમાચારો, યુટ્યૂબના વિડીઓઅને સોશિયલ સાઇટ્સનો ઉપયોગ કરી તેમણે સદાવર્તેનું સરનામું મેળવ્યું હતું. આરોપીઓ સંભાજીનગર જિલ્લાના હોવાની જાણકારી મળી છે. જેમાં મંગેશ સાબળે ફુલંબ્રી તાલુકામાં આવેલ ગેવરાઇ ગામનો સરપંચ છે. અગાઉ તેણે ગવરાઇમાં અલગ અલગ આંદોલનો કર્યા છે. ક્યારેક પૈસા ઉછાળવા તો ક્યારેક પોતાની જ ગાડી બાળવાનો પ્રયત્ન કરવો જેવા સ્ટન્ટને કારણે મંગેશ કાયમ ચર્ચામાં રહ્યો છે. હવે સદાવર્તેના ઘરે જઇને તેમની ગાડીની તોડફોડ કરવા મુદ્દે ફરી એકવાર મંગેશ સાબળે ચર્ચામાં છે.
ગુણરત્ન સદાવર્તેની ગાડીની તોડફોડ કરવા બાબતે મંગેશ સાબળે, વસંત બનસોડે અને રાજુ સાઠેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે આ ત્રણેને જામીન મળ્યા બાદ મરાઠા સમાજે સત્કાર કર્યો હતો.