આમચી મુંબઈમહારાષ્ટ્ર

કોસ્ટલ રોડના ઉદ્ઘાટનનું મુહૂર્ત નવું આવ્યુંઃ પીએમ મોદી હવે આ તારીખે આવશે મુંબઈ

મુંબઈ: મુંબઈ કોસ્ટલ રોડ (Mumbai Coastal Road)ના એક ભાગને 19 ફેબ્રુઆરીએ ખુલ્લો મૂકવામાં આવશે એવી જાહેરાત મુંબઈ મહાપાલિકા (BMC) દ્વારા કરવામાં આવી છે. કોસ્ટલ રોડનું ઉદ્ઘાટન કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 19 તારીખના સોમવારે મુંબઈ આવશે.

મુંબઈના વરલી અને મરીન ડ્રાઇવ જેવા પોશ એરિયાને જોડતા આ 10 કિલોમીટર લાંબા રોડના કનેક્ટર (એક તરફના ભાગ)ને વાહનોની અવરજવર માટે ખુલ્લો મૂકી બીજા તરફના ભાગનું કામ પૂર્ણ થતાં આખા કોસ્ટલ રોડને 15 માર્ચ, 2024 સુધી શરૂ કરવામાં આવશે.

મુંબઈના અત્યંત મહત્ત્વકાંક્ષી પ્રોજેકટને કારણે શહેરની ટ્રાફિક સમસ્યા દૂર થવાની સાથે મુસાફરીના સમયમાં પણ ઘટાડો થશે. બીએમસી અધિકારીએ કોસ્ટલ રોડ બાબતે કહ્યું હતું કે કોસ્ટલ રોડના કામને બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે. આ ભાગમાં ઉત્તર અને દક્ષિણ ભાગ આમ બે ભાગ છે.

રોડના માટે સૌપ્રથમ દક્ષિણ તરફનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. આ કોસ્ટલ રોડ મુંબઈ અને કાંદીવલી વચ્ચે લગભગ 29 કિલોમીટર જેટલા વિસ્તારને કવર કરે છે. દક્ષિણ તરફના કોસ્ટલ રોડમાં 10.50 કિલોમીટરનો ભાગ છે, જે મરીન ડ્રાઇવના પ્રિન્સેસ સ્ટ્રીટના ફ્લાયઓવરથી વરલી બાન્દ્રા સી-લિન્ક સુધી પહોંચે છે.

કોસ્ટલ રોડ વિશે માહિતી આપતા અધિકારીએ કહ્યું હતું કે આ રોડની શરૂઆતમાં મરીન ડ્રાઇવથી પ્રિયદર્શિની પાર્ક સુધી બે ટનલ આવેલી છે. આ ટનલની લંબાઈ ચાર કી.મી.ની છે. કોસ્ટલ રોડના નિર્માણ કાર્ય માટે રૂ. 12700 કરોડનો ખર્ચ કરવામાં આવવાનો છે. કોસ્ટલ રોડના માર્ગમાં ત્રણ ઇન્ટરચેન્જ રાખવામાં આવ્યા છે. પહેલો ઇન્ટરચેન્જ ઇમર્સન ગાર્ડન, બીજો ઇન્ટરચેન્જ હાજી અલી અને ત્રીજો ઇન્ટરચેન્જ વરલીમાં ખુલશે.

ઇન્ટર ચેન્જમાં 1600 જેટલા વાહનો માટે પાર્કિંગ વ્યવસ્થા પણ રાખવામાં આવવાની છે. કોસ્ટલ રોડ પર આઠ લેન અને માર્ગની ટનલને છ લેનવાળી બનાવવામાં આવી છે, એવી માહિતી અધિકારીએ આપી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button